દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ, સંસદનું સત્ર બોલાવો : સંજય રાઉત

દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ, સંસદનું સત્ર બોલાવો : સંજય રાઉત
મુંબઈ, તા. 19 : કોરોના વાઇરસ દેશભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં પણ કોવિડ-19 કેર વર્તાવી રહ્યો છે, ત્યારે શિવસેનાના નેતા સંજય રાઉતે કેન્દ્ર સરકાર સમક્ષ એક મહત્ત્વની માગણી કરી છે. ઉપરાંત, અત્યારે કોરોના મહામારી સામે યુદ્ધ જેવી પરિસ્થિતિ હોવાનું તેમણે જણાવ્યું હતું. 
મહારાષ્ટ્ર ફરી કોરોનાને લડત આપી રહ્યું છે ત્યારે અૉક્સિજનની અછત ઊભી થઈ છે. ઉપરાંત કોરોનાની સારવાર માટે જરૂરી રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે તંગી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી સંજય રાઉતે એક ટ્વીટ કર્યું છે. સંજય રાઉતે ટ્વીટમાં લખ્યું હતું કે દેશમાં અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. દેશભરમાં ચિંતાનું વાતાવરણ છે. બૅડ નથી, અૉક્સિજન નથી અને રસી સુધ્ધાં નથી. ચારે બાજુ અંધાધૂંધી ફેલાઈ છે. આ પરિસ્થિતિ પર ચર્ચા કરવા ઓછામાં ઓછા બે દિવસનું સંસદનું ખાસ અધિવેશન બોલાવવાની માગણી તેમણે કરી છે.
મેં અન્ય રાજ્યોના નેતાઓ સાથે વાત કરી છે. અન્ય રાજ્યોની પરિસ્થિતિ પણ ચિંતાજનક છે. જો કેન્દ્રએ ખાસ અધિવેશન બોલાવ્યું તો અન્ય રાજ્યોની પરિસ્થિતિ અંગે ખુલ્લી ચર્ચા થઈ શકે છે, એમ સંજય રાઉતે જણાવ્યું હતું. દરેક રાજ્યમાં શું ચાલી રહ્યું છે? દેશની પરિસ્થિતિ શું છે? રાજ્યને કેટલી મદદની જરૂર છે? દેશની આર્થિક, આરોગ્યની સ્થિતિ કેવી છે? આ અંગે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી એક ખાસ અધિવેશન બોલાવવાની જરૂ છે, એમ રાઉતનું કહેવું છે.

Published on: Tue, 20 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer