કરિયાણાની દુકાનો સવારે ચાર કલાક જ ખુલ્લી રહેશે

કરિયાણાની દુકાનો સવારે ચાર કલાક જ ખુલ્લી રહેશે
મજૂરો અને શ્રમિકોની કલ્યાણકારી યોજનાઓની અમલબજવણી શરૂ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : કોરોના દરદીઓને અૉક્સિજનની મોટા પ્રમાણમાં જરૂર પડતી હોવાથી વધુમાં વધુ હૉસ્પિટલોમાં તેના ઉત્પાદન માટેના પ્રકલ્પ સ્થાપવાનો તેમ જ લોકોની અવરજવર ઉપર અંકુશ રાખવા માટે કરિયાણાની દુકાનો સવારે સાતથી 11 વાગ્યા સુધી ચાર કલાક જ ખુલ્લી રાખવાનો આદેશ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આપ્યો છે. અજિત પવારે આજે વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે કરિયાણાની દુકાનો આખો દિવસ ખુલ્લી રહેતી હોવાથી લોકોની અવરજવર વધુ રહે છે તેથી હવે કરિયાણાની દુકાનો સવારે સાતથી 11 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. કાગળ, પોલાદ, પેટ્રોલિયમ, ખાતર અને રિફાઇનરી ઉદ્યોગો મારફતે અૉક્સિજનનું ઉત્પાદન વધારવાની સૂચના આપવામાં આવી છે. થાણે અને કોલ્હાપુર જિલ્લામાંની હૉસ્પિટલોમાં હવામાંથી અૉક્સિજન બનાવવાના પ્રકલ્પ શરૂ થયા છે. મુંબઈ મહાપાલિકાએ હવામાંથી અૉક્સિજન બનાવવાના પ્રકલ્પની દિશામાં કામગીરી શરૂ કરી છે. અનેક ઔદ્યોગિક એકમોમાં અૉક્સિજન પેદા કરવાના યંત્ર બંધ પડેલા છે. તેનું તત્કાળ સમારકામ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. રેમડેસિવિર દવા તત્કાળ ઉપલબ્ધ થાય એ માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અૉક્સિજનના પ્રકલ્પ સ્થાપવા અંગે જિલ્લા કલેક્ટરોને અધિકાર આપવામાં આવ્યા છે. 
કોરોનાને કારણે મૂકવામાં આવેલા વિવિધ નિયંત્રણોને કારણે સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને સહન કરવું પડે નહીં એ માટે રાજ્ય સરકારે જાહેર કરેલા 5476 કરોડ રૂપિયાના પૅકેજનો અમલ વિનાવિલંબ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પૅકેજમાં બાંધકામ ક્ષેત્રના 12 લાખ મજૂરોને અને રિક્ષાના પરવાના ધારકોને 1500 રૂપિયા, રજિસ્ટર થયેલા ફેરિયાઓને 2500 રૂપિયા, તેમ જ વિવિધ કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને 2000 રૂપિયા આપવામાં આવશે એમ પવારે ઉમેર્યું હતું.

Published on: Tue, 20 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer