પુખ્ત વયની તમામ વ્યક્તિઓને અપાશે કોરોના વૅક્સિન

પુખ્ત વયની તમામ વ્યક્તિઓને અપાશે કોરોના વૅક્સિન
પહેલી મેથી રસીકરણનો ત્રીજો મહત્ત્વનો તબક્કો : પ્રોટોકોલ હવે પછી જારી થશે
નવી દિલ્હી, તા. 19 : કોરોના વાયરસની બીજી લહેર દેશભરમાં ખૌફનાક સાબિત થઈ રહી છે. તેવામા વાયરસ મહામારી ઉપર કાબૂ મેળવવા માટે કેન્દ્ર સરકારે એક ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ પહેલી મેથી 18 વર્ષથી ઉપરની વયના તમામ લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવશે. પીએમ મોદીએ એક બેઠક બાદ આ નિર્ણય લીધો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે છેલ્લા એક વર્ષથી સરકાર પૂરો પ્રયાસ કરી રહી છે કે દેશમાં વધુમાં વધુ લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવે. 
પીઅમ મોદીએ કહ્યું હતું કે, ભારતમાં કોરોના વેક્સિનનો ડોઝ રેકોર્ડ સ્તર ઉપર અપાઇ રહ્યો છે અને રસીકરણની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવશે. ઉચ્ચ સ્તરની બેઠકમાં રસીની ખરીદીના નિયમમાં ઢીલ આપવામાં આવી છે. ઉપરાંત રાજ્યોને રસી બનાવતી કંપનીઓ પાસેથી સીધી ખરીદીનો અધિકાર રહેશે. આ ઉપરાંત રાજ્યોને 18 વર્ષથી ઉપરના લોકોને અલગ અલગ શ્રેણીમાં વહેંચવાનો વિકલ્પ રહેશે. 
18 વર્ષથી ઉપરની વયના લોકોને કોરોના વાયરસની રસી આપવાને લઈને સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, રસીકરણને લઈને પ્રોટોકોલ અંગે જાણકારી આપવામાં આવશે. લોકોને રસી માટે કિંમત ચૂકવવી પડશે કે નહી તે અંગે સરકાર ટૂંક સમયમાં જાણકારી જારી કરશે. થોડા દિવસથી રાજ્યોના મુખ્યમંત્રીઓ માગણી કરી રહ્યા હતા કે કોરોના વેક્સિનની નક્કી વયમર્યાદાને ઘટાડવામાં આવે. તેવામાં સરકારે 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસીકરણનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. અત્યારસુધી 45 વર્ષથી ઉપરની વયના લોકોને જ રસીનો ડોઝ આપવામાં આવતો હતો. જેમાં લોકોએ રસીકરણ કેન્દ્રએ પોતાનું આધારકાર્ડ લઈને જવાનુ રહેશે ત્યારબાદ ડોઝ આપવામાં આવશે. 
ભારત સરકાર મુજબ આ રસીકરણ અભિયાનનો ત્રીજા તબક્કો હશે. પીએમ મોદી સાથે બેઠકમાં આ મામલે મહત્ત્વના નિર્ણય થયા છે. રસીની કિંમત, રસીકરણ માટેના પ્રોટોકોલ અને તેની યોગ્યતા સંબંધિત વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. દેશમાં રસી બનાવતી કંપનીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. જેથી રસીનું ઉત્પાદન વધારી શકાય. 
રસી નિર્માતા કંપનીઓને રાજ્યોને 50 ટકા સપ્લાઈ આપવા સશક્ત કરી શકાય. આ ઉપરાંત ઓપન માર્કેટમાં પણ પહેલાથી નક્કી કિંમત ઉપર રસી આપવાની વાત કરવામાં આવી હતી.  
બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે વેક્સિન બનાવતી કંપની ઉત્પાદનનો 50 ટકા હિસ્સો રાજ્ય સરકારોને આપશે. જ્યારે અડધી ખેપ ખુલ્લા બજારમાં પહેલાથી નક્કી કિંમતે વેંચી શકશે. વધુમાં રાજ્ય સરકારો જરૂરિયાતના હિસાબે સીધી કંપનીમાંથી ખરીદી કરી શકશે.

Published on: Tue, 20 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer