ખાંડમાં ઘટેલા ઉપાડ છતાં ભાવઘટાડાની સંભાવના નહિવત્

ખાંડમાં ઘટેલા ઉપાડ છતાં ભાવઘટાડાની સંભાવના નહિવત્
વૈશ્વિક બજારમાં કાચી ખાંડમાં મજબૂતી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : બ્રાઝિલે વૈશ્વિક બજારમાં ખાંડની નિકાસ શરૂ કરી હોવા છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં રો (કાચી) ખાંડનો ભાવ 15.5 સેન્ટ (પ્રતિ પાઉન્ડ)ની આસપાસ મજબૂત રહ્યો છે. જેથી ભારતમાં વકરતા કોરોનાને લીધે અનેક રાજ્યોમાનાં નિયંત્રણો અને લૉકડાઉન છતાં સ્થાનિક બજારોમાં ખાંડના ભાવ પર નવા દબાણની સંભાવના ક્ષીણ છે એમ બજારના પીઢ અનુભવીઓ માને છે.
ખાંડ બજારના અધિકૃત સૂત્રોએ જણાવ્યું હતું કે શેરડી પિલાણ મહારાષ્ટ્રમાં લગભગ સમાપ્તિ તરફ હોવાથી રાજ્યનો ખાંડનો કુલ ઉત્પાદન અંદાજ 105થી 107 લાખ ટન મૂકી શકાય. બીજી તરફ કેન્દ્રની લઘુતમ ભાવની નીતિ અને નિકાસની બજાર મજબૂત હોવાથી ખાંડ મિલોને વેચાણની ઉતાવળ નથી. સમગ્ર દેશનો ખાંડ ઉત્પાદન અંદાજ 305થી 310 લાખ ટન વચ્ચે મુકાયો હોવાથી અત્યારે પણ દેશમાં ખાંડની પુરાંતની સંભાવના ચાલુ રહે છે. બીજી તરફ લૉકડાઉન લંબાય તો સ્વાભાવિક ખાંડના કન્ફેકશનરી-મીઠાઈ જેવી વપરાશ ઘટવાથી માલબોજ વધશે એમ મોટા સપ્લાયરો જણાવે છે.
શ્રી બૉમ્બે સુગર મર્ચન્ટસ એસોસિયેશનના સચિવ મુકેશભાઈ કુવેડીયાએ વ્યાપારને જણાવ્યું છે કે દેશમાં ઘટેલી ખાંડની માગ અને પૂરતાથી વધુ ઉત્પાદનને ધ્યાને લેતાં 2021-22માં ખાંડની અછતની સંભાવના ક્ષીણ છે. જોકે ખાંડના ભાવ પર દબાણ વિના ભાવ હવે સ્થિર રહેશે એમ માની શકાય. દરમિયાન મુંબઈમાં વાશી ખાતે મિડિયમ ખાંડનો જથ્થાબંધ ભાવ ક્વિન્ટલ દીઠ રૂા. 3120થી 3160 અને નાનો દાણો રૂા. 3060થી રૂા. 3090નો કવોટ થતો હતો એમ સૂત્રોએ જણાવ્યું છે.
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer