જેલમાં કોરોના સંક્રમણ હાઈ કોર્ટે સરકારને કર્યા સવાલ

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્ર સરકારે મંગળવારે મુંબઈ હાઈ કોર્ટને કહ્યું હતું કે રાજ્યમાંની 47 જેલોની ક્ષમતા 23,127 કેદીની છે, પણ એમાં અત્યારે 35,124 કેદી રાખવામાં આવ્યા છે. 18 એપ્રિલના આમાંથી 188 કેદીઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. 
રાજ્યની જેલોમાં કોરોનાના ફેલાવા વિશેના એક અખબારી સમાચારને હાઈ કોર્ટે પોતાની રીતે એને જાહેર હિતની અરજી બનાવી છે. મંગળવારે આ અરજીની સુનાવણી દરમિયાન હાઈ કોર્ટે રાજ્ય સરકાર પર જેલોમાં કોરોનાનો ફેલાવો કેમ અટકાવવો એ વિશે સવાલોની ઝડી વરસાવી હતી. 
કોર્ટે કહ્યું હતું કે શું ઘણા કેદીઓને ઈમરજન્સી પરોલ આપી શકાય એમ નથી? અને જે 45 વર્ષથી ઉપરના કેદી છે તેમને રસી આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. જે લોકોની અત્યારે ધરપકડ કરાય છે તેમની ટેસ્ટ કરાયા બાદ માત્ર નેગેટિવ રિપોર્ટવાળા આરોપીઓને જ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવવા જોઈએ. જો શક્ય હોય તો 45 વર્ષથી ઉપરના આરોપીને રસી પણ આપવી જોઈએ. 
હાઈ કોર્ટે આગલી સુનાવણીમાં એના સવાલના જવાબો આપવાનું રાજ્ય સરકારને જણાવ્યું હતું.
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer