રિધ્ધિમાન સાહા અને અમિત મિશ્રા પણ સંક્રમિત

રિધ્ધિમાન સાહા અને અમિત મિશ્રા પણ સંક્રમિત
દેશી-વિદેશી ખેલાડીઓ ભયના ઓછાયા હેઠળ
નવી દિલ્હી, તા.4 : આઇપીએલ-14ની સિઝન આખરે કોવિડ-19 મહામારીને લીધે અધવચ્ચે અટકી ગઇ છે. આજે વધુ બે ખેલાડી સનરાઇઝર્સ હૈદરાબાદનો વિકેટકીપર રિધ્ધિમાન સાહા અને દિલ્હી કેપિટલ્સનો લેગ સ્પિનર અમિત મિશ્રાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત અન્ય દેશી-વિદેશી ખેલાડીઓ પણ કોરોના મહામારીથી ડરના સાયામાં હતા.  આ પછી બીસીસીઆઇએ આઇપીએલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવા મજબૂર થવું પડયું હતું. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે આ પહેલા ગઇકાલે કોકલતા નાઇટ રાઇડર્સના બે ખેલાડી વરૂણ ચક્રવર્તી અને સંદિપ વોરિયર સંક્રમિત જાહેર થયા હતા. આથી કેકેઆર-આરસીસી વચ્ચે અમદાવાદમાં સોમવારે રમાનાર મેચ રદ કરાયો હતો. બાદમાં આજે રમાનાર સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેનો મેચ પણ રદ કરવામાં આવ્યો હતો. પણ દિવસ જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ નવા મામલા સામે આવતા ગયા. આથી બીસીસીઆઈએ આખરે આઇપીએલની 2021ની સિઝનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.
અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે આ પહેલા આઇપીએલ રમતા બીજા કેટલાક ખેલાડીઓ જેવા કે બેંગ્લોરની ટીમનો દેવદત્ત પડીકકલ, દિલ્હીનો સ્પિનર અક્ષર પટેલ, ઝડપી બોલર નોત્ઝે વગેરે સંક્રમિત થયા હતા. જ્યારે ભારતના સ્ટાર સ્પિનર આર. અશ્વિન, ઓસ્ટ્રેલિયાના આડમ ઝમ્પા, એન્ડ્રૂ ટાય, કેન રિચર્ડસન, અમ્પાયર પોલ રાયફલ આઇપીએલમાંથી હટી ગયા હતા. ભારતના આઇસીસી એલિટ પેનલના અમ્પાયર નીતિન મેનનના પરિવારમાં પણ કોરોનાના કેસ આવતા તેમને પણ ટૂર્નામેન્ટ છોડી દીધી હતી. જ્યારે ઓસિ. કોમેન્ટેટર માઇકલ સ્લેટર ભારતથી માલદિવ પહોંચી ગયા હોવાના રિપોર્ટ છે.
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer