એનસીડેક્સ 80 ટકા માર્કેટ હિસ્સા સાથે કૃષિ વાયદામાં અગ્રક્રમે

મુંબઈ, તા. 4 : ભારતના અગ્રણી કોમોડિટી એક્સચેન્જનેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (એનસીડેક્સ)એ કૃષિ કોમોડિટીનાં વાયદા કારોબારમાં પોતાનો દબદબો જાળવી રાખીને એપ્રિલ-21 માં 80 ટકાથી વધારે બજાર હિસ્સા સાથે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. આ સાથે ફલિત થાય છે કે કોવિડ-19 ની મહામારીનાં સમયમાં પણ કૃષિ કારોબારમાં કોઇ વિપરીત અસર પડી નથી. 
એપ્રિલ-21 માં એનસીડેક્સનું  સરેરાશ દૈનિક ટર્ન ઓવર ચાર ગણું થઇને 2905 કરોડ નોંધાયું છે જે એપ્રિલ-20 માં 698 કરોડ રૂપિયા નોંધાયું હતું. જ્યારે સરેરાશ ઉભા ઓળિયાંમાં 92.13 ટકા વધીને 876600 ટનનાં થયા હતા.એપ્રિલ-21 નાં મહિનામાં એનસીડેક્સ ખાતે 44646 ટનની ડિલીવરી થઇ હતી જે એપ્રિલ-20 માં થયેલી ડિલીવરી કરતા 43.58% નો વધારો સુચવે છે. 
રિફાઇન્ડ સોયાતેલ, સરસવ, ચણા, સોયાબીન, તથા કપાસિયા ખોળ એમ પાંચ કોમોડિટીમાં સૌથી ઉંચા કારોબાર જોવા મળ્યા છે .એપ્રિલ-21 માં રિફાઇન્ડ સોયાતેલનું સરેરાશ દૈનિક વોલ્યુમ 685 કરોડ રૂપિયા, સરસવનું, 551 કરોડ રૂપિયા, જ્યારે ચણા, સોયાબીન તથા કપાસિયા ખોળનું દૈનિક વોલ્યુમ અનુક્રમે 506 કરોડ રૂપિયા,474 કરોડ રૂપિયા તથા 246 કરોડ રૂપિયા નોંધાયું હતું. 
આ ઉપરાંત કપાસ, સ્ટીલ, તથા રિફાઇન્ડ સોયાતેલ જેવી વૈશ્વિક બજાર સાથે સંકળાયેલી કોમોડિટીનાં સાંજના સમયનાં કારોબારનું સરેરાશ દૈનિક વોલ્યુમ પણ એપ્રિલ-21 માં 200 કરોડની સપાટીએ પહોંચ્યું હતું. જે ભારતીય માર્કેટ વૈશ્વિક બજાર સાથે કેટલું સંકળાયેલું છે તેના સંકેત આપે છે. 
એનસીડેક્સના ચીફ-બિઝનેસ અનેપ્રોડક્ટસ, કપિલ દેવે કહ્યું, કે કૃષિ ડેરિવેટિવ્સ માર્કેટનો પ્રાથમિક હેતુ ખેડૂતો, પ્રોસેસરો તથા વેપારીઓના જોખમ પ્રબંધનનો છે. છેલ્લા થોડા મહિનામાં અને વિશેષ કરીને એપ્રિલ-21 માં એનસીડેક્સનાં કારોબારમાં થયેલા વધારાથી સંકેત મળે છે કે ક?ષિ કોમોડિટીના ભાવની મોટી વધઘટ વખતે આ કારોબાર સાથે સંકળાયેલા પ્રતિભાગિઓ એનસીડેક્સના પ્લેટફોર્મનો હેજીંગ માટે વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરતા થયા છે.આ ઉપરાંત વોલ્યુમમાં જોરદાર ઉછાળો એવું ફલિત કરે છે કે મહામારીનાં વિપરીત સમયગાળામાં  અનેક પડકારો વચ્ચે પણ કારોબારીઓનો વિશ્વાસ કાયમ રહ્યો છે.
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer