સોનું બે માસની ઊંચાઇએથી ઘટ્યું

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 4 : વૈશ્વિક સોનાનો ભાવ સોમવારે બે મહિનાની ઉંચી 1797 ડોલરની સપાટી સુધી ગયા પછી પટકાયો હતો. ન્યૂયોર્કમાં આ લખાય છે ત્યારે 1785 ડોલર પ્રતિ ઔંસના ભાવ હતા. અમેરિકાના આર્થિક ડેટા પોઝીટીવ આવવાને લીધે ડોલરમાં તેજી થતા સોનું નબળું પડ્યું હતુ. બોન્ડના યીલ્ડ પણ મક્કમ હતા. ચાંદીનો ભાવ આ લખાય છે ત્યારે 26.85 ડોલર રહ્યો હતો. 
એક્વિટ ટ્રેડર્સના વિષ્લેષક કહે છે, ટેકનિકલ ફેક્ટરને કારણે સોનામાં મજબૂતી આવી છે. અમેરિકી ડોલરમાં રિકવરી આવવાને લીધે સોનાને માર પડ્યો છે. સોનામાં ચાલુ સપ્તાહે 1765 ડોલર અને 1765 ડોલરનો સપોર્ટ રહેશે. 1800 વટાવાય તો તેજી માટેનો તખ્તો તૈયાર થશે. 
ડોલર ઇન્ડેક્સમાં સુધારો થઇ રહ્યો છે તેનો અર્થ અમુક વિષ્લેષકો એવો કરી રહ્યા છેકે વ્યાજદરમાં સમય કરતા વધારે ઝડપથી વધારો ફેડ દ્વારા કરવામાં આવશે. મોંઘો ડોલર સોનામાં આવતા રોકાણને ચોક્કસપણે ઘટાડશે. જોકે બીજી તરફ ફેડે એવું નિવેદન વારંવાર કર્યું છેકે, પૂરી રિકવરી ન આવે ત્યાં સુધી ફેડ દ્વારા નાણાનીતિ સરળ રાખવામાં આવશે. ડોલરની વધઘટ એ કારણથી જ સતત રહે છે. 
બુધવારે ફેડના સર્વિસ ડેટા જાહેર થવાના છે. એપ્રિલના પે રોલ ડેટા શુક્રવારે જાહેર થશે તેનાથી સોનાનું ભાવિ નક્કી થશે. 
એક સમાચાર સંસ્થઆ કહે છે, સોનું 1802 પાર કરી જાય તો 1816 સુધી જવામાં સરળતા રહેશે. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રુ. 150ના ઘટાડામાં રુ. 48450 અને ચાંદીનો ભાવ એક કિલોએ રુ. 1400 ઉંચકાઇને રુ.70400 રહ્યો હતો.
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer