પત્રકારોને ફ્રન્ટલાઈન વર્કર નો દરજ્જો આપો : કૉંગ્રેસ

મુંબઈ, તા. 4 : કોરોનાના ઉપદ્રવને કારણે તબીબી સેવા સાથે સંકળાયેલા બધા કર્મચારીઓ સહિત પોલીસ અને અન્ય કેટલાક ક્ષેત્રના કર્મચારીઓને ફ્રન્ટલાઈન વર્કર્સનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેઓને કોરોનાની રસી આપવામાં પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. એ રીતે મહારાષ્ટ્રના પત્રકારોને પણ `ફ્રન્ટલાઈન વર્કર'નો દરજ્જો આપીને તેઓને તત્કાળ રસી આપવામાં આવે એવી માગણી કૉંગ્રેસે કરી છે.
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના વિધાનગૃહોના નેતા અને મહેસૂલ પ્રધાન બાળાસાહેબ થોરાતે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં આ માગણી કરી છે. થોરાતે પત્રમાં જણાવ્યું છે કે પત્રકારોને સમાચાર અને અહેવાલ મેળવવા સતત ઘરની બહાર રહેવું પડતું હોય છે. તેથી તેઓને સંક્રમણનું જોખમ વધારે હોય છે. પત્રકારોને કારણે તેઓના પરિવારજનોને પણ કોરોનાનું જોખમ હોય છે. તેથી બધા પત્રકારોને `ફ્રન્ટલાઈન વર્કર'નો દરજ્જો આપીને તાકીદે રસી આપવામાં આવવી જોઈએ. તામિલનાડુ, પ.બંગાળ, આંધ્ર પ્રદેશ, ઓરિસા અને મધ્યપ્રદેશમાં પત્રકારોને `ફ્રન્ટલાઈન વર્કર'નો દરજ્જો આપવામાં આવ્યો છે. આ રાજ્યોમાં પત્રકારોને રસી આપવાના કામને પ્રાધાન્ય આપવામાં આવે છે. તેથી મહારાષ્ટ્ર સરકારે પણ પત્રકારોને `ફ્રન્ટલાઈન વર્કર'નો દરજ્જો આપવો જોઈએ. મહારાષ્ટ્રમાં એક્રીડેટેડ પત્રકાર સિવાય અન્ય પત્રકારોનો સમાવેશ આવશ્યક સેવામાં કરવામાં આવ્યો નથી, તેથી પત્રકારોમાં નારાજગી છે. કેટલાક પત્રકારોના મૃત્યુ પણ નીપજ્યાં છે. રાજ્યમાં એક્રીડેટેડ પત્રકારોની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે. જ્યારે વાસ્તવમાં ફિલ્ડ ઉપર કામ કરનારા પત્રકારોની સંખ્યા ઘણી વધારે છે, એમ થોરાતે પત્રમાં ઉમેર્યું છે.
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer