પરમબીર સિંહની અરજીની તાત્કાલિક સુનાવણીની જરૂર નથી : હાઇ કોર્ટ

મુંબઈ, તા. 4 : રાજ્ય સરકારે શરૂ કરેલી તપાસની વિરુધ્ધ પૂર્વ મુંબઇ પોલીસ કમિશનર પરમબીર સિંહે હાઇકોર્ટમાં કરેલી અરજી પર તાત્કાલિક સુનાવણીની જરૂર જણાતી ન હોવાનું કોર્ટે જણાવી આગામી સુનાવણી નવમી જૂન સુધી મોકુફ કરી દીધી છે. રાજ્યના ડીજીપી સંજય પાંડેએ પરમબી સિંહની તપાસ કરવામાં અસમર્થ હોવાનું જણાવતો પત્ર રાજ્ય સરકારને લખ્યા બાદ રાજ્ય સરકાર પરમબીર સિંહની તપાસ નવેસરથી કરાવશે. પરમબીરની અરજીમાં પાંડે સામે પણ કેટલાક આક્ષેપો મૂકાયા હતા. આ કેસમાંથી પાંડે ખસી ગયા બાદ અરજી નિરર્થક થઇ ગઇ હોવાની દલીલ રાજ્યસરકાર વતી કરાઇ છે. 
પરમબીર સિંહની પ્રાથમિક તપાસ નવેસરથી કરવાના આદેશ આપી દેવાયા છે. અરજકર્તા સિંહના બંને વકીલ મુકુલ રોહતગી અને આભાત પૌંડા ગેરહાજર રહ્યા બાદ હાઇકોર્ટે આ કેસમાં તાત્કાલિક સુનાવણીની જરૂરિયાત ન હોવાની ટકોર કરી આગામી સુનાવણી નવમી જૂન સુધી મોકુફ રાખી હતી. 
કોર્ટમાં કરેલી અરજીમાં સિંહે રાજ્ય સરકાર સામે નવો આરોપ મૂકયો છે. આ અરજી પર ચોથી મેએ સુનાવણી થઇ હતી. 
પરમબીર સિંહે પોતાની અરજીમાં જણાવ્યું છે કે તેમણે 19 એપ્રિલે રાજ્યના ડીજીપી સંજય પાંડેની મુલાકાત લીધી હતી. પાંડેએ તેમને પોતાની ફરિયાદ પાછી ખેંચવાનું સૂચન કર્યુ હતુ. જો સિંહે ફરિયાદ પાછી ન ખેંચી તો તેમની વિરુધ્ધ અનેક ગુના દાખલ કરવાની તૈયારી રાજ્ય સરકાર શરૂ કરશે, એવી ધમકી તેને આપવામાં આવી હતી. આ મામલે તપાસ કરવામાં આવે એવી માગણી સિંહે કોર્ટને કરી છે. પરંતુ હવે પાંડે કેસમાંથી ખસી ગયા બાદ આ અરજી નિરાધાર હોવાની દલીલ રાજ્ય સરકારે કરી હતી. પરમબીર સિંહની તપાસ માટે નવા અધિકારીની નિમણૂંક કરાશે. 

Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer