મુંબઈ અને થાણેમાં કોરોના કાબૂમાં : આરોગ્ય પ્રધાન

રાજ્યમાં મહામારી કાબૂમાં લેવાના પ્રયાસો જારી
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 4 : મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ મંગળવારે કહ્યું હતું કે રાજ્યમાં મુંબઈ અને થાણે સહિત 15 જિલ્લામાં કોરોનાના દૈનિક કેસો સતત ઘટી રહ્યા છે, પણ બાકીના જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જે જિલ્લામાં કોરોનાના કેસો વધુ છે એ જિલ્લામા કોરોનાનો પ્રકોપ ઓછો કરવાના સરકાર બનતા પ્રયત્ન કરી રહી છે. 
તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર રશિયન રસી સ્પુટનિક-ફાઈવ ખરીદવા માગે છે અને અત્યારે એના ઉત્પાદકો સાથે ભાવની મંત્રણા ચાલુ છે. વિદેશી રસી ખરીદવા રાજ્ય સરકારે જે વૈશ્વિક ટેન્ડરો બહાર પાડેલા એને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. 
તેમણે કહ્યું હતું કે સાંગલી, તારા, બુલઢાણા અને કોલ્હાપુર સહિત 20 જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને ત્યાં કોરોનાને કાબુમાં રાખવાના અમારા પ્રયાસ ચાલુ છે. આ જિલ્લાઓમાં ખાટલાની સંખ્યા વધારવાનું જિલ્લા પ્રશાસનને કહેવામાં આવ્યું છે. રાજ્યમાં પૉઝિટિવિટીનો દર પણ 27 ટકાથી 22 ટકાનો થયો છે. કોરોનાની ટેસ્ટની સંખ્યામાં પણ કોઈ ઘટાડો કરાયો નથી. રોજ 2.5 લાખથી 2.8 લાખ વચ્ચે કુલ ટેસ્ટ કરાય છે. આમાંથી 65 ટકા આરટી-પીસીઆર ટેસ્ટ જ્યારે 35 ટકા રેપિડ એન્ટિજન ટેસ્ટ હોય છે. 
તેમણે કહ્યું હતું કે રાજ્યને 3.5 લાખ રેમડેસિવિરના ઈન્જેકશન્સ અને વીસ હજાર અૉક્સિજન કોન્સેન્ટ્રેટર્સ મળશે. રેમડેસિવિરના 40 હજાર ઈન્જેકશન્સ મળી ગયા છે અને એનો ઉપયોગ પણ થઈ ગયો છે. 45 વર્ષથી ઉપરના વયજૂથ માટે રસીના નવ લાખ ડૉઝ મળ્યા છે. 45 વર્ષથી ઉપરના વયજૂથમાંના 45 ટકા લોકોનું રસીકરણ થઈ ગયું છે.
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer