દિલ્હીમાં મફત રાશન, ઓટો-ટેક્સી ચાલકોને પાંચ હજારની સહાય

અરવિંદ કેજરીવાલની રાહતકારી ઘોષણા
નવીદિલ્હી,તા.4: દિલ્હીમાં કોરોના સંક્રમણની આંધીને અવરોધવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉન વચ્ચે આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગરીબો માટે રાહતકારી ઘોષણામાં કહ્યું હતું કે, દિલ્હીમાં કુલ 72 લાખ રેશનકાર્ડ ધારકો છે, આ તમામ લોકોને બે મહિના સુધી મફતમાં રાશન આપવામાં આવશે. આ ઉપરાંત ઓટોચાલકો અને ટેક્સીચાલકો છે, તેમને બઘાને પાંચ પાંચ હજાર રુપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. 
પાંચ હજાર રૂપિયાની સહાય અંતર્ગત દિલ્હીના લગભગ દોઢ લાખ ઓટો ચાલકો અને ટેક્સી ચાલકોને લાભ મળશે. અરાવિંદ કેજરીવાલે કહ્યું કે ગયા અઠવાડિયે મજૂરોને પણ પ્રકારની મદદ આપવામાં આવી છે. લોકડાઉનના કારણે ગરીબ લોકો માટે આર્થિક સંકટ ઉભુ થયું છે. ગયા અઠવાડિયે મજૂરોના ખાતામાં 5-5 હજાર રૂપિયાની રકમ જમા કરાઈ હતી. અરાવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે બે મહિના સુધી મફતમાં રાશન મળવાનો અર્થ એ નથી કે લોકડાઉન બે મહિના સુધી ચાલશે. અમે તો ઇચ્છીએ છીએ કે જેવી સ્થિતિ સુધરે કે તરત જ લોકડાઉન દૂર કરવામાં આવે.
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer