દેશમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડાની હેટ્રિક

નવી દિલ્હી, તા. 4 : છેલ્લા થોડા સપ્તાહથી દેશમાં બેકાબૂ બનેલા અને દવા, ઈન્જેક્શન તથા ઓક્સિજન ઉપરાંત હવે રસીની તંગીથી વધુ ભયાવહ દેખાઈ રહેલા કોરોના સંક્રમણની રફ્તાર ઘટી રહી હોવાના સંકેતમાં સતત ત્રીજા દિવસે દેશમાં નવા કેસોમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. સંક્રમણથી હાંફી રહેલાં સાત રાજ્યમાં કોરોનાના મામલામાં ઘટાડાથી સકારાત્મક સંકેત સાંપડી રહ્યો છે જો કે આજે 3,57,229 નવા કેસોએ કુલ મામલાને બે કરોડની પાર પહોંચાડયા હતા જ્યારે વધુ 3449 લોકોનાં મૃત્યુથી મૃતકોની સંખ્યા પણ વધીને 2,22,408 થઈ હતી. 
અન્ય એક સારા સંકેતમાં વીતેલા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા 3,20,289 રહી હતી. આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,66,13,292 લોકો સાજા થઈ ચૂકયા  છે અને તેની સીધી અસર રૂપે રિકવરી દર પણ વધીને 81.91 ટકા થયો છે.
દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં દૈનિક કેસોમાં સ્થિતિ સુધારા પર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં દૈનિક મામલા ઘટી રહ્યા છે તે એક સારો સંકેત છે. જો કે સક્રિય દર્દીઓની સંખ્યા હજુ પણ એક પડકાર છે.
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer