ભુજબળને છોડાવવામાં ચંદ્રકાંત પાટીલની ભૂમિકા અંગે અદાલતમાં જશું : આમ આદમી પાર્ટી

કેતન જાની તરફથી
મુંબઈ, તા. 4 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રમાં નાગરિક પુરવઠા ખાતાના પ્રધાન છગન ભુજબળને મનીલોન્ડરિંગ પ્રકરણમાં જામીન ઉપર છોડાવવામાં ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની ભૂમિકા હતી કે કેમ તેની તપાસ માટે અમે જરૂર પડયે અદાલતમાં જવાનુ વિચાર શું એમ આમ આદમી પાર્ટીના નેતા પ્રીતી શર્મા - મેનને જણાવ્યુ છે.
પં. બંગાળમાં ભાજપના કારમા પરાભવ પછી છગન ભુજબળે ટિપ્પણ કરી હતી કે ભાજપ અને વડા પ્રધાન મોદીની લોકપ્રિયતામાં હવે ઘટાડો થઈ રહ્યો છે. આ ટીકાથી ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલને લાગી આવ્યુ હતુ. અને તેમણે જણાવ્યુ હતુ કે છગન ભુજબળ જેલમાં હતા ત્યારે તમારો ભત્રીજો સમીર ભુજબળ મારા બંગલા ઉપર આવીને બેસી રહેતો હતો અને જામીન મેળવી આપવા પ્રયત્ન કરવાની વિનંતી કરતો હતો. તમે હાલ જામીન ઉપર બહાર આવ્યા છો. તમને કોર્ટે નિર્દોષ છોડયા નથી તે ભૂલશો નહીં, એમ ચંદ્રકાંત પાટીલે ઉમેર્યું હતું.
પાટીલના આ નિવેદનથી પ્રીતી શર્મા-મેનનના હાથમાં જાણે હથિયાર આવ્યું છે. તેમણે `જન્મભૂમિ'ને જણાવ્યું હતું કે મેં અને મારા પક્ષે ભુજબળ વિરુદ્ધ મની લોન્ડરિંગના આક્ષેપોની તપાસ માટે અદાલતનો આશરો લીધો હતો. અમારી રજૂઆત અને દલીલો પછી અદાલત વિશેષ તપાસ ટુકડી નીમી હતી. તેના પગલે ભુજબળને માર્ચ, 2016થી માર્ચ, 2018 દરમિયાન જેલમાં રહેવું પડયું હતું. મની લોન્ડરિંગના પ્રકરણમાં સામાન્યપણે જામીન મળતા નથી હોતા. ભુજબળને મદદ કરવા બદલ ચંદ્રકાંત પાટીલની તપાસ થવી જોઇએ. અમે જરૂર પડયે આ મુદ્દે કોર્ટમાં રજૂઆત કરવાનું વિચારશું. મહારાષ્ટ્ર સરકારના વડા તરીકે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ વિશે સ્પષ્ટતા કરવી જોઇએ, એમ પ્રીતી મેનન શર્માએ ઉમેર્યું હતું.
આ મુદ્દે મુખ્ય પ્રધાન ઠાકરેએ હજી સુધી નિવેદન કરવાનું ટાળ્યું છે. જ્યારે છગન ભુજબળે પણ કોઈ સ્પષ્ટતા કરી નથી.
રાષ્ટ્રવાદી વતીથી તેના પ્રવક્તા અને રાજ્યના લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિકે જણાવ્યું છે કે જો અદાલતો પણ ચંદ્રકાંત પાટિલના કહેવાથી કામ કરતી હોય તો મહારાષ્ટ્રમાં લોકશાહી ખતમ થઈ એવું જાહેર કરવું જોઇએ. ભાજપ દ્વારા તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવતો હોવાનું પુરવાર થયું છે. હવે શું અદાલત પણ ભાજપના કહેવા અનુસાર કામ કરે છે? ચંદ્રકાંત પાટીલના આ વિધાનની નોંધ લઇને અદાલતે સ્વયંસ્ફૂ તે રીતે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઇએ એમ મલિકે ઉમેર્યું હતું.
ભાજપના નેતા માધવ ભંડારીના જણાવ્યા અનુસાર પોતે અદાલતના નિર્ણય ઉપર પ્રભાવ પાડયો છે કે હસ્તક્ષેપ કર્યો છે એમ ચંદ્રકાંત પાટીલે કહ્યું જ નથી. પાટીલના નિવેદનનો અર્થ એવો થાય છે કે સમીર ભુજબળ છગન ભુજબળને જામીન મળે એ માટે પાટીલ સહિત બધાને મળતો હતો. પ્રીતી મેનન - શર્માએ પાટીલના વિધાનના આંશિક હિસ્સાને ધ્યાનમાં લઇને ટીકા કરી છે.
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer