અદાર પૂનાવાલાએ રસીની ફાળવણીમાં મહારાષ્ટ્રને પ્રાધાન્ય આપવું જોઈએ : રાજેશ ટોપે

અદાર પૂનાવાલાએ રસીની ફાળવણીમાં મહારાષ્ટ્રને પ્રાધાન્ય આપવું જોઈએ : રાજેશ ટોપે
અમારા પ્રતિનિધિ તરફથી 
જાલના, તા. 4 : મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ મંગળવારે રસીની ફાળવણીમાં રાજ્યને પ્રાધાન્ય આપવાની પુણેની સિરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પુનાવાલાને વિનંતી કરી હતી અને કહ્યું કે મહારાષ્ટ્ર આ રસીની ખરીદીની કિંમત ચૂકવવા પણ તૈયાર છે. તેમણે કહ્યું હતું રાજ્ય સરકાર રશિયન રસી સ્પુટનિક ખરીદવા પણ તૈયાર છે. 
જાલનામાં પત્રકારો સાથે વાત કરતા રાજેશ ટોપેએ કહ્યું હતું કે અદાર પુનાવાલા પુણેના છે અને તેમણે રસીની ફાળવણીમાં તેમના રાજ્યને પ્રથમિક્તા આપવી જોઈએ. 18 વર્ષથી ઉપરના તમામને રસી આપવાની અમે જાહેરાત કરી છે, પણ રસીની ખેંચને કારણે અમે રસી ઝુંબેશને વેગ આપી શક્તા નથી. સિરમ ઈન્સ્ટિટ્યૂટે જુલાઈ-ઓગસ્ટમાં રસીની ફાળવણી કરવાની જાહેરાત કરી છે. 
તેમણે કહ્યું હતું કે રાજ્યમાં અત્યારે મિનિ-લોકડાઉન અમલમાં હોવાથી કોરોના કેસ ઘટી રહ્યા છે. સોમવારે રાજ્યમાં કોરોનાના નવા કેસનો આંકડો 50 હજારથી ઓછો હતો. દેશમાં લોકડાઉન લાદવો કે કેમ એનો નિર્ણય ભારત સરકારે લેવાનો છે અને કેન્દ્ર સરકાર જે કોઈ નિર્ણય લેશે એનો મહારાષ્ટ્ર સરકાર અમલ કરશે. 
આ પહેલા સિરમ ઈન્સ્ટિટ્યૂટના અદાર પુનાવાલાએ કહ્યું હતું કે રસી એકદમ ખાસ પદ્ધતિથી બનાવવામાં આવે છે એટલે રાતોરાત એનું ઉત્પાદન વધારવાનું શક્ય નથી. સિરમ ઈન્સ્ટિટ્યૂટને 11 કરોડ રસીના ડોઝ સપ્લાય કરાનો કેન્દ્ર પાસેથી વધારાનો ઓર્ડર મળ્યો છે. આ પહેલા સિરમ ઈન્સ્ટિટ્યૂટે કેન્દ્રને 15 કરોડ રસીના ડોઝ આપેલા. અદાર પુનાવાલાએ કહ્યું હતું કે આવતા થોડા મહિનામાં 11 કરોડ રસીના ડોઝ રાજ્યોને અને ખાનગી હોસ્પિટલોને આપવામાં આવશે.
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer