દેશનું પ્રથમ ડ્રાઈવ ઈન વૅક્સિનેશન સેન્ટર મુંબઈમાં શરૂ કરાયું

દેશનું પ્રથમ ડ્રાઈવ ઈન વૅક્સિનેશન સેન્ટર મુંબઈમાં શરૂ કરાયું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 4 : વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોની સુવિધા માટે મુંબઈ મહાપાલિકાએ દાદરના કોહિનૂર સ્કવેર પબ્લિક પાર્કિંગ લૉટમાં દેશનું પ્રથમ `ડ્રાઈવ ઈન વૅક્સિનેશન સેન્ટર' શરૂ ર્ક્યું છે. સંસદસભ્ય રાહુલ શેવાળેના હસ્તે આ સેન્ટરનું લોકાપર્ણ કરાયું હતું અને આજે સવારે લગભગ દસ વાગ્યે એક લાભાર્થીને એની ગાડીમાં વૅક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હતો.
પાલિકા દ્વારા મુંબઈમાં કોરોના વૅક્સિનેશન અભિયાનની ગતિ વધારવાના પ્રયત્ન થઈ રહ્યા છે. પરંતુ દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે વૅક્સિનેશન સેન્ટર પહોંચીને વૅક્સિન લેવાનું મુશ્કેલ બની રહ્યું છે. આ સમસ્યાના ઉકેલ તરીકે પાલિકાએ ડ્રાઈવ ઈન વૅક્સિનેશન સેન્ટરની સંકલ્પના રજૂ કરી હતી.
આ વૅક્સિનેશન સેન્ટરમાં નાગરિકોએ પોતાની ગાડી લઈને જવાનું રહેશે. ગાડીમાં બેસીને જ તેમણે વૅક્સિન લેવાની રહેશે અને ત્યાર બાદ થોડા સમય પછી તેમને ઘરે જવા દેવામાં આવશે. જેમની પાસે પોતાની ગાડી નથી તેમને માટે શિવસેના દ્વારા ગાડીની વ્યવસ્થા કરવામાં આવશે જેથી નાગરિકોને વૅક્સિનેશન સેન્ટરમાં રાહ જોવી નહીં પડે.
દાદરના આ કેન્દ્રમાં ડ્રાઈવ ઈન સુવિધાનો લાભ રોજ 250 ગાડીમાંના નાગરિકો લઈ શકશે. વર્તમાનમાં અહીં ફક્ત 45 વર્ષથી વધુ વયના અને દિવ્યાંગ નાગરિકો માટે જ આ સુવિધા ઉપલબ્ધ છે પરંતુ વહેલી તકે 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે આ સુવિધા ઉપલબ્ધ કરવાનો પાલિકાનો વિચાર છે. કોહિનૂર પાર્કિંગ લૉટમાંના આ સેન્ટરમાં ડ્રાઇવ ઈન વૅક્સિનેશન સુવિધા ઉપરાંતના સાત બુથના માધ્યમથી રોજ 4000 નાગરિકોનું વૅક્સિનેશન કરવામાં આવશે.
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer