અબજોપતિ દંપતી બિલ અને મેલિન્ડા ગેટ્સ છૂટાછેડા લેશે

અબજોપતિ દંપતી બિલ અને મેલિન્ડા ગેટ્સ છૂટાછેડા લેશે
146 અબજ ડૉલરની સંપત્તિ સામે પ્રશ્નાર્થ
અમારા પ્રતિનિધિ તરફથી
લોસ એન્જેલિસ/વૉશિંગ્ટન,
તા. 4 : વિશ્વનું એક સૌથી ધનાઢ્ય દંપતી બિલ અને મેલિન્ડા ગેટ્સ છૂટાછેડા લેનાર છે.
સત્તાવીસ વર્ષના લાંબા સહવાસ બાદ પોતપોતાના અલગ રાહ લેવાની ગેટ્સ દંપતીની જાહેરાત ઈન્ફોર્મેશન ટેક્નૉલૉજી ઉદ્યોગ, તેમનું વિશાળ આર્થિક સામ્રાજ્ય, આંતરરાષ્ટ્રીય આરોગ્ય, આબોહવા પરિવર્તન સંબંધી નીતિ અને મહિલા સમાનતા સહિતના સામાજિક મુદ્દાઓને મોટી અસર કરશે તેમ મનાય છે.આશરે 146 અબજ ડૉલરની સંપત્તિ ધરાવતા આ યુગલે પોતાની ભાવિ નાણાકીય યોજનાઓ વિશે કોઈ અણસાર આપ્યો ન હતો. તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે સખાવત અને પરોપકારના ક્ષેત્રે તેઓ સહકાર ચાલુ રાખશે.
માઈક્રોસોફટ કોર્પોરેશનના સ્થાપક બિલ ગેટ્સ (65) વિશ્વમાં ચોથા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની પત્ની મેલિન્ડા (56) સાથે મળીને તે બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન ચલાવે છે. જેણે અત્યાર સુધીમાં 50 અબજ ડૉલરથી વધુ સખાવત કરી છે.
બિલ ગેટ્સની સંપત્તિની શરૂઆત માઈક્રોસોફટથી થઈ હતી, પરંતુ તેની હાલની સંપત્તિમાં માઈક્રોસોફટના શૅરહોલ્ડિંગનો હિસ્સો 20 ટકા પણ નથી. તેણે પોતાનું મોટા ભાગનું શૅરહોલ્ડિંગ ફાઉન્ડેશનમાં ખસેડી દીધું છે.
ગેટ્સ દંપતીની સૌથી મોટી મિલકત કાસ્કેડ ઈન્વેસ્ટમેન્ટ છે. બિલ ગેટ્સને માઈક્રોસોફટના શૅરોના વેચાણ અને ડિવિડન્ડમાંથી જે આવક થઈ તેમાંથી તેણે આ કંપની ઊભી કરી છે.
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer