તમે આંખ મીંચી શકો, અમે નહીં : કેન્દ્રને દિલ્હી હાઈકોર્ટનો ઠપકો

તમે આંખ મીંચી શકો, અમે નહીં : કેન્દ્રને દિલ્હી હાઈકોર્ટનો ઠપકો
દિલ્હીમાં અૉક્સિજનની અછત વિશે કહ્યું, તમારે કામ ન કરવું હોય તો આઈઆઈટી, આઈઆઈએમને સોંપો
નવી દિલ્હી,તા. 4: દેશની રાજધાની દિલ્હીમાં ઓક્સિજનની તંગી મુદ્દે હાઈકોર્ટમાં આજે પણ સુનાવણી આગળ ચાલી હતી અને આ દરમિયાન ફરી એકવાર કેન્દ્ર સરકારને બરાબર ઉધડો લેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, તમે આંખે પાટા બાંધી રાખી શકો છો, અમે નહીં.
દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રને કહ્યું હતું કે, આજે આખો દેશ ઓક્સિજન માટે કણસી રહ્યો છે. જો કેન્દ્ર ઓક્સિજનનાં પુરવઠાની વ્યવસ્થા ન કરી શકે એમ હોય તો તમે આઈઆઈટી અને આઈઆઈએમને આની જવાબદારી કેમ સોંપી દેતા નથી? જો આઈઆઈટી અને આઈઆઈએમને આની જવાબદારી સોંપવામાં આવશે તો તમારાથી બહેતર કામ કરશે.
હાઈકોર્ટે આગળ કેન્દ્રને ટપારતા કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે દિલ્હીને 700 મેટ્રિક ટન ઓક્સિજન પૂરો પાડવા માટે નિર્દેશ આપેલો છે અને જો આ પુરવઠો આપવામાં નહીં આવે તો અદાલતનાં અનાદરની કાર્યવાહી થશે. હવે આ કામ તમારું છે. ટેન્કર ઉપલબ્ધ છે પણ તમે આ કામ કરવાં તૈયાર જ નથી. આ સાથે જ હાઈકોર્ટે આગળ કહ્યું હતું કે, હાલ મહારાષ્ટ્રમાં ઓક્સિજનની ખપત ઓછી છે તો ત્યાંથી પણ ઓક્સિજન દિલ્હી મોકલી શકાય તેમ છે.
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer