માતા કોરોના પૉઝિટિવ હોય તો પણ બાળકને ગર્ભમાં સંક્રમણ થતું નથી

માતા કોરોના પૉઝિટિવ હોય તો પણ બાળકને ગર્ભમાં સંક્રમણ થતું નથી
નાયર હૉસ્પિટલમાં એક વર્ષમાં 1001 કોરોનાગ્રસ્ત મહિલાઓની સફળ પ્રસૂતિ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 4 : મહાપાલિકા સંચાલિત નાયર હૉસ્પિટલમાં છેલ્લાં એક વર્ષમાં 1001 કોરોનાગ્રસ્ત મહિલાની સુખરૂપ પ્રસૂતિ કરવામાં આવી છે. આ હૉસ્પિટલમાં પ્રથમ કોરોનાગ્રસ્ત મહિલાની પ્રસૂતિ 14મી એપ્રિલ 2020ના દિવસે કરવામાં આવી હતી. તેમાં એક માતાને ત્રણ અને 9 માતાઓએ જોડિયાં બાળકોને જન્મ આપ્યો છે. તે અનુસાર કોરોનાગ્રસ્ત મહિલાઓએ 1022 બાળકોને જન્મ આપ્યો છે.
મુંબઈ પાલિકાની હૉસ્પિટલોના ડિરેક્ટર ડૉ. રમેશ ભારમલે જણાવ્યું છે કે કુલ 1001માંથી 599 પ્રસૂતિ `નોર્મલ' અને 402 પ્રસૂતિ `િસઝેરિયન' દ્વારા કરાવવામાં આવી હતી. સિઝેરિયન પ્રસૂતિમાં એનેસ્થેશિયા ડિપાર્ટમેન્ટની કામગીરી અગત્યની હોય છે.
નાયરમાં બાળરોગોના નિષ્ણાત ડૉ. સુષ્મા મલિકે જણાવ્યું હતું કે માતાને કોરોના હોય તો પણ તેના ગર્ભમાં રહેલા શિશુને કોરોનોનુ સંક્રમણ થતું નથી. જોકે, શિશુને જન્મબાદ માતાનાં સંપર્કમાં આવવાથી કોરોનાનું સંક્રમણ થઈ શકે છે. મેડિકલ પ્રોટોકોલ અર્થાત તબીબી સારવારના ક્રમાનુસાર નવજાત શિશુના જન્મ સાથે તેની કોરોનાની ટેસ્ટ કરવામાં આવે છે. ગત એક વર્ષમાં તેમાંથી માત્ર કેટલાંક શિશુ કોરોના પૉઝિટિવ હોવાનું માલૂમ પડયું હતું. જોકે, તેઓમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા નહોતા. 
આ શિશુઓનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવે પછી તેઓને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. નવજાત શિશુને સ્તનપાન કરાવતા કોરોનાગ્રસ્ત માતાએ કઈ સાવચેતી રાખવી તે વિશે નિયમિત માર્ગદર્શન આપવામાં આવે છે, એમ ડૉ. મલિકે ઉમેર્યું હતું.
કોરોનાગ્રસ્ત મહિલાઓની સફળ પ્રસૂતિમાં પ્રસૂતિશાત્ર, નવજાતશિશુ - બાળરોગ ચિકિત્સા વિભાગ, એનેસ્થેશિયા ડિપાર્ટમેન્ટના તબીબો, નર્સો અને અન્ય કર્મચારીઓએ ખૂબ જ સારી સેવા પૂરી પાડી છે.
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer