એસઍન્ડપી : બે વર્ષ સુધી ભારતનું રાટિંગ જળવાઈ રહેશે

નવી દિલ્હી,  તા. 7 (પીટીઆઈ) : ભારતનું ક્રેડિટ રાટિંગ આવતા બે વર્ષ સુધી અત્યારના સ્તરે જળવાઈ રહેશે એમ વૈશ્વિક રાટિંગ એજન્સી એસ એન્ડ પીએ શુક્રવારે કહ્યું હતું. આગામી  બે-ત્રણ વર્ષમાં ભારતનો વિકાસ ઝડપી રહેશે  જેને કારણે તેના સોવરેન રાટિંગને ટેકો મળશે એમ પણ એજન્સીએ જણાવ્યું હતું. 
ભારતના આર્થિક વિકાસમાં મોટી રિકવરી કોવિદની બીજી લહેરને કારણે શક્ય નહિ બને પણ આ મહામારીની અસર ગયા વર્ષ કરતા ઓછી હશે એવો અભિપ્રાય પણ આ અમેરિકા-સ્થિત એજન્સીએ વ્યક્ત કર્યો હતો.    ભારતના આર્થિક વિકાસમાં 2020-21માં આઠ ટકા ઘટાડો થયો હતો. 2021-22માં ભારતનો વિકાસ 11 ટકા રહેવાની આગાહી એસએન્ડપીએ માર્ચમાં કરી હતી.  
મે મહિનામાં મહામારીની અસર ટોચ પર પહોંચશે એવી ધારણા પર એજન્સીએ કહ્યું હતું કે જીડીપીનો વિકાસ દર ઘટીને 9.5 ટકા થશે. 
પણ જો આ અસર વધુ સમય માટે ચાલુ રહે અને જૂનમાં ટોચે પહોંચે તો વિકાસ 8.2 ટકા સુધી ઘટે એવી શક્યતા પણ તેણે બતાવી છે.  સાધારણ પરિસ્થિતિમાં સરકારની રાજકોષીય હાલત પર મોટી અસર નહિ પડે એમ એજન્સીના ડિરેક્ટર એન્ડ્રુ વુડે એક વેબિનારમાં કહ્યું હતું. 
આમ તો રાજકોષીય ખાધનો અંદાજ 11 ટકા છે પણ આવકની નબળાઈને લીધે એ વધી શકે.  તેમ છતાં સરકારી દેવું જીડીપીના 90 ટકા ની આસપાસ સ્થિર રહેશે એમ તેમણે ઉમેર્યું હતું. 
એસ એન્ડ પી એ ભારતને ' ટ્રિપલ બી માઇનસ' રાટિંગ આપેલું છે. 
Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer