બુમરાહની સફળતા મુંબઈ ઈન્ડિયન્સના બૉલિંગ કૉચ શેન બૉન્ડને આભારી

બુમરાહની સફળતા મુંબઈ ઈન્ડિયન્સના બૉલિંગ કૉચ શેન બૉન્ડને આભારી
શૅન પાસેથી સતત શીખવા મળતું હોવાનો જસપ્રીતનો એકરાર
મુંબઇ, તા.14: યોર્કર સ્પેશ્યાલિસ્ટ ફાસ્ટ બોલર તરીકે ઓળખ બનાવી ચૂકનાર ટીમ ઇન્ડિયાના જસપ્રિત બુમરાહે તેની સફળતાનો યશ મુંબઇ ઇન્ડિયન્સ (એમઆઇ)ના બોલિંગ કોચ ન્યુઝીલેન્ડના પૂર્વ ઝડપી બોલર શેન બોન્ડને આપ્યો છે. બુમરાહની નજર ન્યુઝીલેન્ડ સામેના ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરવા પર છે. જે મુકાબલો સાઉથમ્પટનની ઘાસવાળી વિકેટ પર તા. 18 જૂનથી રમાશે. આ મેચમાં બુમરાહની આગેવાનીમાં ભારતીય ઝડપી બોલિંગ આક્રમણ કિવિ બેટધરોને ભરી પીવા તૈયાર છે.
બુમરાહે એક ઓનલાઇન મુલાકાતમાં જણાવ્યું કે હું પહેલીવાર શેન બોન્ડને 201પમાં આઇપીએલની સિઝનમાં મળ્યો હતો. હું જ્યારે નાનો હતો ત્યારે તેમને બોલિંગ કરતો જોતો હતો. તેમને મળવાનો અનુભવ સારો રહ્યો. તેમણે ધણી ચીજોમાં મારી મદદ કરી.  જે હું મેદાન પર અજમાવું છું. તેઓ મને સતત આગળ વધવા પ્રોત્સાહિત કરે છે. મુંબઇ ઇન્ડિયન્સના બોલિંગ કોચ બોન્ડ સાથે હું હંમેશા વાતચીત કરતો રહું છું. તેમની સાથેની અત્યાર સુધીની મારી સફર શાનદાર રહી છે.
બુમરાહે અત્યાર સુધીમાં 19 ટેસ્ટ મેચ રમ્યા છે. બુમરાહ આશા કરે છે કે આવનારા વર્ષોમાં પણ મારો અને કોચ બોન્ડનો સંબંધ વધુ મજબૂત બનશે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે બોન્ડનું માનવું છે કે બુમરાહ વિશ્વનો સર્વશ્રેષ્ઠ ડેથ બોલર છે.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer