પિચ પર કચરો ફેલાવીને કિવિ બેટ્સમેનની પ્રેક્ટિસ

પિચ પર કચરો ફેલાવીને કિવિ બેટ્સમેનની પ્રેક્ટિસ
ફાઇનલમાં ભારતીય સ્પિનર્સના અંતરાયને પાર કરવા
નવી દિલ્હી, તા.14: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ મુકાબલાને હજુ એક મહિનાની વાર છે. આમ છતાં ન્યુઝીલેન્ડનો બેટસમેન ડેવોન કોનવે ભારતીય સ્પિનર્સને પાર પાડવા માટે એક ખાસ યોજના બનાવી રહ્યો છે. કોનવે પ્રેક્ટિસ પિચ પર `કિટી લિટર' (લાકડાંનું ભુસુ અને બીજા કચરાનું મિશ્રણ) ફેલાવીને બેટિંગ પ્રેક્ટિસ કરે છે. ડેવોન કોનવેને ઇંગ્લેન્ડ પ્રવાસની ન્યુઝીલેન્ડની ટીમમાં પસંદગી થઇ છે. કિવિ ટીમ આવતા મહિને ઇંગ્લેન્ડ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે અને બાદમાં તા. 18થી 22 જૂન દરમિયાન સાઉથમ્પટન ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ મુકાબલો રમશે. ભારતીય ટીમ પાસે એકથી વધુ ધારદાર સ્પિનર છે જે કિવિ બેટધરો સામે મુશ્કેલી ઉભી કરી શકે છે. જેમાં રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર સામેલ છે.
ભારતીય સ્પિન બોલિંગ આક્રમણને પાર પાડવા માટે 29 વર્ષીય ડાબોડી બેટધર કોનવે પોતાની ટેસ્ટ કેરિયરની શરૂઆત આ પ્રવાસથી કરી શકે છે. તેને આશા છે કે કચરો અને ભુસાને પિચ પર ફેલાવીને બેટિંગ કરવાથી તેને સ્પિનર્સ સામે રમવામાં આસાની થશે. ખાસ કરીને દડો જ્યારે ફૂટમાર્ક પર પિચ થશે ત્યારે. કોનવેએ જણાવ્યું કે આની પાછળનો તર્ક એ છે કે બોલ જો કોઇ રફ જગ્યા પર પિચ થઇને આવશે તો તેને રમવાની આસાની થશે.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer