બીએસઈમાં એક વર્ષમાં આઈપીઓની સંખ્યા બમણી

મુંબઈ, તા. 14 : આ વર્ષે બીએસઈએ  26 આઈપીઓનું લિસ્ટિગ કરનારું  વિશ્વમાં તેરમું એક્સચેન્જનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.  કંપનીઓએ આ આઈપીઓ મારફત 273.17 કરોડ ડોલરનું ભંડોળ એકત્ર કર્યું હતું, એમ વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટ ડેટા અને ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોવાઇડર  રેફિનીટીવના આંકડા દર્શાવે છે. 
ગયા વર્ષે બીએસઈમાં 11 આઈપીઓનું લિસ્ટિગ થયું હતું, જેમાં કંપનીઓએ 117.29 કરોડ એકત્ર કર્યા હતા . 
સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટના ભાગરૂપ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)માંથી તેનો હિસ્સો ઓછો કરે તો આ વર્ષ ભારતીય શૅરબજાર માટે ઘણું સારુ નીવડશે, એમ ઘણા એનાલિસ્ટ્સનું કહેવું છે.  
આઈઆઈએફએલ સિક્યોરિટીઝના ચેરમેન આર વેન્કટરમને કહ્યું કે, આ વર્ષે પણ આઈપીઓ દ્વારા શેર મૂડી મેળવવામાં આવશે. અર્થતંત્રમાં સુધારો દેખાતા મોટા ભાગના પ્રમોટર્સ મૂડી બજારમાં પ્રવેશ કરશે. જોકે બજારની અનિશ્ચિતતાને કારણે આઈપીઓ આ વર્ષના ઉત્તરાર્ધમાં આવે તેવી શક્યતા પણ છે.  
ઈક્યુનોમિક્સ રિસર્ચના સ્થાપક અને ચીફ ઈનવેસ્ટમેન્ટ ઓફિસર જી ચોકાલિંગમે કહ્યું કે, પ્રમોટર્સ અન રોકાણકારો કોરોનાનો કહેર ઓછો થવાની અને બજારને સ્થિર થવાની રાહ જોઈ રહ્યા છે. તેથી આઈપીઓ પાછળ ધકેલાઈ શકે છે કેમ કે આઈપીઓ સફળ બને તે માટે આકર્ષક બજાર ભાવ જરૂરી છે.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer