ડૉલર નબળો પડતા વૈશ્વિક સોનામાં રિકવરી

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 14 : ડોલરના મૂલ્યમાં આવેલા ઘટાડાને લીધે સોનામાં ગઇકાલે બોલાયેલા કડાકા પછી સડસડાટ રિકવરી આવી ગઇ હતી. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 1836 ડોલરની સપાટીએ આ લખાય છે ત્યારે રનીંગ હતો. અલબત્ત અમેરિકામાં વધતા જતા ફુગાવાને લીધે ફેડ દ્વારા સમય કરતા વહેલો વ્યાજદર વધારો કરવામાં આવશે તેવી દહેશતથી તેજી મર્યાદિત રહી હતી. ચાંદીનો ભાવ ખાસ ન વધી શકતા 27.30 ડોલરના સ્તરે હતો. 
એસપીઆઇ એસેટના વિશ્લેષક કહે છે, ફુગાવો સોના માટે ખરેખર તો નકારાત્મક પરિબળ નથી પણ એના કારણે મધ્યસ્થ બેંકો વ્યાજદર વધારાનું પગલું લેશે તો તે સોના માટે ઘટાડાનું કારણ બની શકે છે. ફેડ વ્યાજદર વધારે તો ડોલર રોકાણ માટે આકર્ષણરુપ બની જશે. 
અમેરિકાના આર્થિક આંકડાઓ ધાણા કરતા સારાં આવી રહ્યા છે. ગ્રાહક ભાવાંકમાં સુધારો થયો છે અને અઠવાડિક બેરોજગારીના દાવાઓના પ્રમાણમાં પણ થોડો ઘટાડો થતા 14 મહિનાની તળિયાની સપાટીએ હયા છે એ ફુગાવાની નિશાની છે. જોકે ફેડ ક્યારે વ્યાજદર વધારો કરશે એ નક્કી થતું નથી એ કારણે જ સોનાને ટેકો મળેલો છે. 
ફેડે તો એવો જ સંકેત આપેલો છેકે જ્યાં સુધી નોકરીઓ પૂર્ણ કક્ષાએ ન સર્જાય અને ફુગાવો સામાન્ય બનીને 2 ટકાએ પહોંચી જાય એ પછી જ વ્યાજદર અંગે વિચારણા કરાશે. જોકે આર્થિક સ્થિતિ અમેરિકામાં સુધરી રહી હોવાથી સોનામાં રોકાણ કરનારાઓને ડર લાગી રહ્યો છે. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રુ. 200 સુધરીને રુ. 49100 અને મુંબઇમાં રુ. 47757ની સપાટીએ સ્થિર હતો. ચાંદી એક કિલોએ રાજકોટમાં રુ. 70000ની સપાટીએ મક્કમ હતી. મુંબઇ ચાંદી રુ. 58 ઘટીને રુ. 70360 રહી હતી.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer