એલઍન્ડટીનો માર્ચ ત્રિમાસિક નફો રૂ. 3,293 કરોડ

એલઍન્ડટીનો માર્ચ ત્રિમાસિક નફો રૂ. 3,293 કરોડ
શૅર દીઠ રૂ. 18 અંતિમ ડિવિડન્ડની ભલામણ
મુંબઈ, તા. 14 : ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની લાર્સન એન્ડ ટુબ્રો (એલએન્ડટી)નો માર્ચ 2021 ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ત્રણ ટકા વધીને રૂ.3,293 કરોડ થયો છે, જે ગત વર્ષના સમાન ગાળામાં રૂ.3,197 કરોડ હતો. જ્યારે ડિસેમ્બર 2020 ત્રિમાસિકના રૂ.2,467 કરોડની સરખામણીએ નફો 33 ટકા વધ્યો છે. 
ઈલેક્ટ્રીકલ ઈટી ઓટોમેશન બિઝનેસમાંથી રોકાણ છુટુ કર્યા બાદ કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2020-21 માટે શૅરદીઠ રૂ.18ના અંતિમ ડિવિડંડની ભલામણ કરી છે. 
સૂચિત ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 11.4 ટકા વધીને રૂ.3,820.16 કરોડ થઈ છે. કર ખર્ચમાં (વાર્ષિક ધોરણે 116 ટકા વધુ- રૂ.2,086.71 કરોડ) વધારો અને અપેક્ષા કરતા ઓછી વૃદ્ધિને પગલે નફાશક્તિ ઉપર અસર પડી હતી.   
માર્ચ ત્રિમાસિકમાં ઓર્ડર પ્રવાહ રૂ.50,651 કરોડ હતો, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીએ 12 ટકા ઓછો છે. 
સૂચિત ત્રિમાસિક ગાળામાં કંપનીને ફેક્ટરીઝ, હાઈડલ અને ટનલ, મેટ્રો, સ્પેશ્યિલ બ્રિજ, ન્યુક્લિયર પાવર, ગ્રામીણ જળ, નવિનીકરણ ઉર્જા, હાઈડ્રોકાર્બન, મિનરલ્સ અને મેટલ ક્ષેત્રમાં નોંધપાત્ર ઓર્ડર્સ મળ્યા છે. કુલ ઓર્ડર્સમાં 36 ટકા એટલે કે રૂ.18,439 કરોડના ઓર્ડર્સ આંતરરાષ્ટ્રીય છે, જેમાં સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ અને ટ્રાન્સમિશન લાઈનનો સમાવેશ છે.  
ઉપરાંત માર્ચ ત્રિમાસિકમાં ગ્રુપ લેવલે કંપનીને રૂ.1,75,497 કરોડના ઓર્ડર્સ મળ્યા છે, જે ગત વર્ષના સમાન ગાળાની સરખામણીએ 6 ટકા ઓછા છે. કુલ ઓર્ડર્સમાં આંતરરાષ્ટ્રીય ભાગ પણ 27 ટકા ઘટીને રૂ.47,951 કરોડ થયો છે. ગ્રુપની કોન્સોલિડેટેડ ઓર્ડર બુક આઠ ટકા વધીને રૂ.3,27,354 કરોડ થઈ છે, જેમાં આંતરરાષ્ટ્રીય ઓર્ડર્સનો ભાગ 21 ટકા છે.  
આજે જ એલએન્ડટીએ જાહેરાત કરી કે તેમને ચેન્નઈ મેટ્રો રેલ કોર્પોરેશન પાસેથી રૂ.5,000 કરોડનો કોન્ટ્રેક્ટ મળ્યો છે.  
કંપનીનું માનવું છે કે લોકડાઉનને કારણે અર્થતંત્રની વૃદ્ધિની ગતિ કામચલાઉ ધોરણે ધીમી પડશે. લોકડાઉન ખુલ્યાં પછી અર્થતંત્રની ગતિવિધી ફરી સામાન્ય થશે. 
એલએન્ડટીનો શેર શુક્રવારે એનએસઈ ઉપર 2.1 ટકા વધીને રૂ. 1414.5 ઉપર બંધ રહ્યો હતો.  
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer