ઈઝરાયલનો હમાસ પર પ્રચંડ હુમલો 150 લક્ષ્ય ભોંયભેગા; 119નાં મોત

તેલ અવીવ, તા.14 : શાંતિ સ્થાપિત કરવા આંતરરાષ્ટ્રીયસ્તરે અપીલ છતાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે પ દિવસથી ચાલી રહેલો ખૂની ખેલ બંધ થયો નથી. ઈઝરાયલ એટલી હદે કાળઝાળ બન્યું છે કે તેણે પેલેસ્ટાઈન ઉપર માત્ર 40 મિનિટમાં 450 મિસાઈલ ઝીંકી છે. અત્યાર સુધીમાં કુલ ર000થી વધુ હવાઈ હુમલા કરાયા છે. 31 બાળકો અને 19 મહિલાઓ સહિત મૃત્યુઆંક 119 થયો છે. ઈઝરાયલના હુમલામાં 800થી વધુ નાગરિકોને ઈજા પહોંચ્યાનું ગાઝા હેલ્થ મિનિસ્ટ્રીએ જાહેર કર્યું છે. નવા હુમલામાં ઈઝરાયલે હમાસના 150 લક્ષ્યોને નેસ્તનાબૂદ કર્યા છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે જાહેર કર્યું કે અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કરાયો છે. ગાઝા સિટીમાં મોટાભાગની ઉંચી ઈમારતો જમીનદોસ્ત કરી નાખવામાં આવી છે. આતંકી સંગઠન હમાસ દ્વારા રોકેટ હુમલા ચાલુ છે પરંતુ મોટાભાગના રોકેટને ઈઝરાયલે એરડિફેન્સ સિસ્ટમથી હવામાં જ તોડી પાડયા છે. 
દુશ્મનને જડબાતોડ જવાબ આપી રહેલા ઈઝરાયલમાં પણ સ્થિતિ સારી નથી. દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે. યહુદીઓ અને આરબો એકબીજા પર હુમલા કરી રહ્યા છે. પોલીસ અને સુરક્ષા દળો પર હુમલા વધ્યા છે. અત્યાર સુધીમાં સેંકડો દંગાઈઓની ધરપકડ કરાઈ છે. અમેરિકા, બ્રિટન, યુએન બાદ ફ્રાંસે પણ શાંતિની અપીલ કરી છે. જો કે ઈઝરાયલ અને હમાસ આવી કોઈ અપીલ સાંભળવા તૈયાર નથી.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer