ભારતમાં કોરોનાનો કહેર હજી બાકી : બીજી લહેર હજી પીક ઉપર નથી પહોંચી

નવી દિલ્હી, તા.14 : ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર હજી ખતમ નથી થઈ રહી. બીજી લહેર હજી પીક ઉપર પણ પહોંચી નથી. ભારતમાં વાયરસ ફરીથી રૌદ્ર સ્વરૂપ લઈ શકે છે. આ ચેતવણી નીતિ આયોગના સભ્ય ડો. વી. કે પોલે આપી છે. તેઓના કહેવા પ્રમાણે કોરોના સામે લડવા માટે રાજ્યોની મદદથી રાષ્ટ્રીય સ્તરે સ્વાસ્થ્ય સંબંધિત માળખાને વધુ મજબૂત બનાવવું પડશે. જેથી લોકોને કોરોના વાયરસથી બચાવવા માટે જરૂરી કામગીરી કરી શકાય.
ડો. વી. કે પોલે કહ્યું હતું કે, સરકારને કોરોનાની બીજી લહેરની જાણકારી નહોતી તે આરોપ ખોટા છે. સરકાર લોકોને અલગ અલગ મંચ ઉપરથી ચેતવણી આપી રહી હતી. લોકોને એમ પણ કહેવામાં આવી રહ્યું હતું કે, કોરોના વાયરસની બીજી લહેર આવશે. દેશમાં વર્તમાન સમયમાં પોઝિટિવીટી રેટ 20 ટકા છે. 80 ટકા વસતી હજી પણ સંક્રમણનો શિકાર બની શકે છે.
ડો. પોલના કહેવા પ્રમાણે કોરોના વાયરસ હજી ગયો નથી. આ જ સ્થિતિ અન્ય દેશોની પણ છે. ડો. પોલે કહ્યું હતું કે, પીએમ મોદીએ 17 માર્ચના રોજ સ્પષ્ટ રીતે દેશને સંબોધીત કરતા કહ્યું હતું કે, દેશમાં કોરોના વાયરસની બીજી લહેર આવી ચૂકી છે. જેમાં લોકોને પરેશાન થવાની જરૂર નથી પણ તેની સામે લડવાની જરૂર છે. સુરક્ષિત રહેવાની જરૂર છે.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer