પીએમ કિસાન સન્માન યોજનાનો આઠમો હપ્તો જમા

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 14 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને મળનારા આર્થિક લાભનો આઠમો હપ્તો જાહેર ર્ક્યો હતો. તે અંતર્ગત દેશના 9.5 કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોના બૅન્ક એકાઉન્ટમાં આજે 19,000 કરોડ રૂપિયા કરતાં વધુ રકમ ટ્રાન્સફર થઈ હતી. વડા પ્રધાને આ અવસરે વીડિયો કૉન્ફરેન્સિંગના માધ્યમથી ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, મેઘાલય, જમ્મુ અને કાશ્મીરના ખેડૂતો સાથે પણ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ સમયમાં પણ દેશના ખેડૂતોએ પોતાનું કર્તવ્ય નિભાવીને અનાજનું વિક્રમી ઉત્પાદન ર્ક્યું છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે આજે બંગાળના લાખો ખેડૂતોને કિસાન સન્માન નિધિનો પહેલો હપ્તો મળ્યો છે. બંગાળના સાત લાખથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો હોવાનું કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું. 
આ યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશના લગભગ 11 કરોડ ખેડૂતોના બૅન્ક ખાતામાં લગભગ 1,35,000 કરોડ રૂપિયા જમા કરાયા છે. એમાંથી 60,000 કરોડ કરતાં વધુ રકમ તો કોરોનાકાળ દરમિયાન જમા થઈ છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે આ વર્ષે, ગયા વર્ષની સરખામણીમાં અત્યાર સુધીમાં લગભગ 10 ટકા વધુ ઘઉં એમએસપી હેઠળ ખરીદવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ઘઉંની ખરીદીના લગભગ 58000 કરોડ રૂપિયા ખેડૂતોના એકાઉન્ટમાં સીધા પહોંચી ગયા છે. પંજાબ અને હરિયાણાના લાખો ખેડૂતો કિસાન ડાયરેક્ટ ટ્રાન્સફર સુવિધામાં જોડાયા હોવાનો સંતોષ પણ તેમણે વ્યક્ત ર્ક્યો હતો. અત્યાર સુધીમાં પંજાબના ખેડૂતોના બૅન્ક ખાતામાં લગભગ 18000 કરોડ રૂપિયા અને હરિયાણાના ખેડૂતોના ખાતામાં  લગભગ 9000 કરોડ રૂપિયા સીધા જમા થઈ ગયા છે. તેમણે જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રે નવા વિકલ્પ અને નવા ઉકેલ આપવા સરકાર નિરંતર પ્રયાસ કરી રહી છે. જૈવિક ખેતીને પણ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer