70 પ્રકલ્પોને સુધારિત મંજૂરી અને ત્રણ પ્રકલ્પોના સરકારી આદેશમાં વિલંબથી જયંત પાટીલ ગુસ્સે ભરાયા

અજિત પવાર કહે છે કે વિવાદમાં વજુદ નથી 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્રમાં જળસંપદા ખાતાના પ્રધાન જયંત પાટીલ 70 પ્રકલ્પોને સુધારિત વહીવટી મંજૂરી અને 24મી માર્ચે મંજૂર થયેલા પ્રકલ્પો અંગે  સરકારી આદેશ બહાર પાડવામાં વિલંબના મુદ્દે મુખ્ય સચિવ સીતારામ કુંટે પર ચિઢાયા છે. તેના કારણે મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાન પાટીલ અને કુંટે વચ્ચે ચાલતી ખેંચતાણ સપાટી ઉપર આવી છે.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષપદ હેઠળ મળેલી બેઠકમાં જયંત પાટીલે 70 પ્રકલ્પોને સુધારિત વહીવટી મંજૂરી તેમ જ કાટેપૂર્ણા, ગારગાઈ અને પાંઢરી સિંચાઈ પ્રકલ્પો અંગે સરકારી આદેશ બહાર પાડવામાં વિલંબ બદલ કુંટે ઉપર પસ્તાવ પાડી હતી.
આ પ્રકરણ અંગે રાષ્ટ્રવાદીના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આજે પત્રકારોને જણાવ્યું હતું કે આ વિવાદમાં વજૂદ નથી. જયંત પાટીલ વરિષ્ઠ નેતા છે. તેમણે ગૃહખાતુ, નાણાખાતુ અને ગ્રામવિકાસ ખાતુ સંભાળ્યું છે. હાલ તેઓ જળસંપદા ખાતુ સંભાળે છે. તેઓ શાંત સ્વભાવના છે. મીડિયામાં આ સમાચાર કેવી રીતે આવ્યા તે ખબર નથી એમ કહીને પવારે વિવાદને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો છે. પાટીલ અને હું 15 વર્ષ કરતાં પણ વધુ સમય પ્રધાનપદે રહી ચૂક્યા છે. એ અમારા માટે આ બાબતો નવી નથી.
સિંચાઈના પ્રોજેક્ટોનો ખર્ચ વધારે છે?
પ્રાપ્ત માહિતી અનુસાર કાટેપૂર્ણા, ગારગાઈ અને પાંઢરી સિંચાઈ પ્રકલ્પનો ખર્ચમાં બેસુમાર વધારો કરાયો છે. અગાઉ કેટલાક સિંચાઈ પ્રકલ્પોના ખર્ચમાં વધારાના પ્રકરણો કોર્ટમાં વિવાદ અને તપાસમાં પરિણમ્યા હતા. તેથી કુંટેએ આ પ્રસ્તાવો નાણાં અને આયોજન ખાતાને ચકાસવા મોકલ્યા હોવાનું મનાય છે. `આઘાડી'ના વરિષ્ઠ નેતાના જણાવવા મુજબ પાટીલની જવાબદારી કૅબિનેટની મંજૂરી મેળવી આપવાની અને જળસંપદા ખાતાના સચિવની જવાબદારી સરકારી આદેશ બહાર પાડવાની હોય છે. ઉપરાંત હાલ કોરોનાના પડકારનો મુકાબલો એ ટોચની પ્રાથમિકતા છે. તેથી કુંટે આ કામ ઉપર પૂરતું ધ્યાન આપી શક્યા નહોય એ સંભવ છે.
આરોપોનો સામનો કરી રહેલા નિવૃત્ત અધિકારીની નિમણૂકનો વિવાદ
જયંત પાટીલે પોતાના ખાતામાં `અૉફિસર અૉન સ્પેશિયલ ડયૂટી' તરીકે નિવૃત્ત અધિકારી વી. કે. ગૌતમની નિમણૂક કરી છે. દિલ્હીમાં વર્ષ 2010માં યોજાયેલા રાષ્ટ્રકુળના દેશોના રમતોત્સવ માટે કૉન્ટ્રાક્ટ આપવામાં કથિત અનિયમિતતા અંગે વી. કે. ગૌતમ વિરુદ્ધ તપાસનો આદેશ બહાર પાડવાનો હતો. તે સમયે જ પાટીલે તેમની નિમણૂક કરી છે. ગૌતમ વિરુદ્ધ કેન્દ્રના પર્સોનલ અને ટ્રેનિંગ ખાતા તરફથી તપાસ કરવાની તૈયારી આદરી છે.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer