મહારાષ્ટ્રમાંથી 39,923 નવા કેસ મળ્યા, 53,249 સાજા થયા

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 14:  શુક્રવારે મહારાષ્ટ્રમાંથી કોરોનાના 39,923 નવા કેસ મળ્યા હતા. એ સાથે રાજ્યમા અત્યાર સુધી મળેલાં કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 53,09,215ની થઈ ગઈ છે. રાજ્યમાં 5,19,254 પેશન્ટો અત્યારે સારવાર હેઠળ છે. 
ગુરુવારે રાજ્યમાંથી 42,582, બુધવારે 46,781, મંગળવારે 40,956, સોમવારે 37,236 અને રવિવારે 48,401 નવા કેસ મળ્યા હતા. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 695 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થતાં રાજ્યનો મૃત્યાંક 79,552નો થઈ ગયો છે. રાજ્યનો મૃત્યુ દર 1.50 ટકા છે. 
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 53,249 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 47,07,980 દરદી સાજા થયાં છે. રાજ્યનો રિકવરી રેટ વધીને 88.68 ટકા થયો છે. 
અત્યાર સુધી રાજ્યમાં કુલ 3,06,02,140 ટેસ્ટ કરવામાં આવી છે અને એમાંથી 53,09,215 (17.35 ટકા) ટેસ્ટ પોઝિટિવ આવી છે. 
અત્યારે રાજ્યમાં 34,82,425 દરદી હોમ ક્વોરન્ટાઈનમાં છે જ્યારે 28,312 દરદી સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. 
મહારાષ્ટ્રમાં સૌથી વધુ સારવાર હેઠળના પેશન્ટ્સ પુણે જિલ્લામાં છે. ત્યાં અત્યારે 96,028 કોરોનાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે. એ પછી નાગપુર જિલ્લામાં 40,496, મુંબઈમાં 35,843, થાણે જિલ્લામાં 35,526 અને અહમદનગર જિલ્લામાં 27,573 અને સોલાપુર જિલ્લામાં 21,232 દરદી અત્યારે સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી ઓછા સક્રિય પેશન્ટો એટલે કે 1799 દરદી હિંગોલીમાં જિલ્લામાં છે.
ધારાવીમાંથી નવ દરદી મળ્યા 
 ધારાવી વિસ્તારમાંથી શુક્રવારે કોરોનાના નવ નવા પેશન્ટ મળ્યા હતા. એ સાથે ત્યાંથી અત્યાર સુધી મળેલા દરદીઓની કુલ સંખ્યા 6671ની થઈ ગઈ છે. અત્યાર સુધી 5782 પેશન્ટો અત્યાર સુધી ત્યાં સાજા થયા છે. અત્યારે ધારાવીમાં 545 દરદી સારવાર હેઠળ છે. 
ધારાવી વિસ્તાર પાલિકાના જી-નોર્થ વોર્ડમાં પડે છે. ધારાવી ઉપરાંત દાદર અને માહિમ પણ આ વોર્ડમાં આવે છે. દાદરમાંથી શુક્રવારે 13 અને માહિમમાંથી 26 નવા કેસ મળ્યા હતા. આ વોર્ડમાંથી અત્યાર સુધી કુલ 25,331 દરદી મળ્યા છે. આમાથી 21,606 સાજા થયા છે અને 3024 દરદી અત્યારે સારવાર હેઠળ છે.
થાણે જિલ્લામાંથી 1782 નવા કેસ મળ્યા
 ગુરુવારે થાણે જિલ્લામાંથી કોરોનાના નવા 1782 કેસ મળ્યા હતા. એ સાથે અત્યાર સુધી જિલ્લામાંથી મળેલા કોરોનાના કેસોની કુલ સંખ્યા 4,96,104ની થઈ ગઈ છે. જિલ્લામાં વધુ 70 દરદીના મૃત્યુ થયા હતા અને એ સાથે જિલ્લાનો મૃત્યાંક 8311 પર પહોંચી ગયો છે. જિલ્લાનો મૃત્યુ દર 1.67 ટકા છે. જિલ્લા પ્રશાસને સારવાર લઈ રહેલા દરદી અને કેટલા દરદી સાજા થયાં એની સંખ્યા આપી નહોતી. 
બીજી તરફ થાણે શહેર પાસેની કલવા નગરની સરકારી છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલને મ્યુકરમાઈકોસીસીની બિમારીના ઉપચાર માટે સજ્જ કરાઈ છે. પાડોશના પાલઘર જિલ્લામાં કોરોનાના 1303 નવા પેશન્ટોનો ઉમેરો થતાં જિલ્લામાં કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 1,00,842ની થઈ ગઈ છે જ્યારે જિલ્લાનો મૃત્યાંક 1817નો થઈ ગયો છે. 
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer