મહારાષ્ટ્રમાં બ્લૅક ફંગસ બિમારીએ બાવન દરદીઓના જીવ લીધા

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્રમાં કોરોનાના સાજા થયેલા અમુક પેશન્ટોને થતી ફંગલ બિમારી મ્યુકરમાઈકોસીસને કારણે કમસે કમ બાવન લોકોના મૃત્યુ થયા છે. 
મ્યુકરમાઈકોસીસ બિમારી બ્લેક ફંગસ તરીકે પણ ઓળખાય છે અને કોરોનાથી સાજા થયેલા દરદીઓને એ થાય છે. આ બિમારીના લક્ષણમાં માથુ દુખે છે, તાવ આવે છે, આંખમાં વેદના થાય છે, નાક ભારે થઈ જાય છે અને દૃષ્ટિ પણ ઓછી થઈ જાય છે. બાદમાં એ જીવલેણ પણ બની શકે છે. 
અધિકારીઓએ કહ્યું હતું કે ગયા વર્ષે રાજ્યમાં કોરોના ફાટી નીકળ્યો ત્યારથી અત્યાર સુધી મ્યુકરમાઈકોસીસને કારણ કમસે કમ બાવન લોકોના જીવ ગયા છે. જેમના આ રોગને કારણે મૃત્યુ થયા છે એમની યાદી સરકારે હવે બનાવી છે. 
બુધવારે રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ પત્રકારોને કહ્યું હતું કે રાજ્યમાં અત્યારે બ્લેક ફંગસના 2200 જેટલા કેસ છે. 
આ બિમારીની સારવાર માટેની દવા ખરીદવા સરકાર ટેન્ડર પણ બહાર પાડવાની છે. એમ્ફોટેરિસીન-બી નામના એન્ટિ ફંગલ ઈન્જેકશનનો પણ એમા સમાવેશ છે. મ્યુકરમાઈકોસીસના દરદીઓનો મૃત્યુ દર વધુ હોવાથી સરકારની ચિંતા વધી ગઈ છે. સરકાર પર વધારોનો આર્થિક ભાર પણ આવ્યો છે. 
મ્યુકરમાઈકોસીસની બિમારી મલેરિયાની જેમ નોટિફાઈડ ન હોવાથી સરકાર પાસે એનો કોઈ ડેટા નથી અને એનો સામનો કેમ કરવો એની પુરતી માહિતી પણ નથી. જોકે સરકારે હવે એને નોટિફાઈડ બિમારીમાં સમાવેશ કર્યો છે. એટલે કોઈ ખાનગી ડોક્ટર પાસે પણ આ બિમારીનો દરદી આવે તો એની જાણ સરકારને કરવાનું બંધનકર્તા છે. સરાકારે ડેટા ભેગો કરવાનું શરૂ કર્યું હોવાથી બાવન દરદીઓના મોતની જાણ થઈ છે. મોટાભાગના મૃત્યુ આ વર્ષે થયા હોવાનું કહેવાય છે. 
આ બિમારી કોરોનાના સાજા થયેલા જે દરદીઓને અનિયંત્રિત મધુમેહ હોય એને મોટેભાગે થાય છે. સરકારે હવે મ્યુકરમાઈકોસીસના દરદી માટે 18 મેડિકલ કોલેજોની હોસ્પિટલમાં અલગ વોર્ડ ઊભા કરવાનો ફેંસલો કર્યો છે. આ બિમારી નાક અને આંખ વાટે મગજ સુધી પહોંચી જાય છે. 
પુણે જિલ્લામાં 270 કેસ
પુણે જિલ્લામાં મ્યુકરમાઈકોસીસના કમસે કમ 270 કેસ અત્યાર સુધી મળ્યા છે. આને કારણે આ બિમારીના દરદીઓની સારવાર કેમ કરવી એની માર્ગદર્શિકા સરકારના ટાસ્ક ફોર્સને બહાર પાડવાની ફરજ પડી છે. 
આ માર્ગદર્શિકા રાજ્યની તમામ હોસ્પિટલોને મોકલવામાં આવી છે અને પ્રમાણ સારવાર કરવાની હોસ્પિટલોને સુચના અપાઈ છે. 
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer