ચક્રવાત તૌકેત સામે ઝીંક ઝીલવા એનડીઆરએફ તૈયાર

નવી દિલ્હી, તા. 14 : એનડીઆરએફએ અરબ સાગરમાં બની રહેલા ચક્રવાત તૌકેતને ધ્યાને લઈને 53 દળોને તૈયાર કર્યા છે. એનડીઆરએફના ડાયરેક્ટર એસ એન પ્રધાનના કહેવા પ્રમાણે કેરળ, કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રના તટિય વિસ્તારમાં દળોને તૈનાત કરવામાં આવી રહ્યા છે. 53માંથી 24 દળોને પહેલા જ તૈનાત કરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીનાને તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. એનડીઆરએફના એક દળમાં અંદાજીત 40 કર્મચારી હોય છે. તેમની પાસે વૃક્ષ, થાંભલા કાપવાના ઓજાર, હોડી, દવાઓ અને અન્ય રાહત તેમજ બચાવ સાધનો હોય છે. આઈએમડી તરફથી જારી કરવામાં આવેલા અમુક સુચનો મુજબ દક્ષિણ અરબ સાગર અને લક્ષદ્વીપ વિસ્તારમાં ગુરૂવારના દબાણનું ક્ષેત્ર બન્યું હતું. જે શનિવાર સવાર સુધીમાં ઉંડા દબાણમાં બદલી જશે અને પછી આગામી 24 કલાકમાં ચક્રવાતી તોફાનનું રૂપ લેશે. આ ચક્રવાત ગુજરાત અને પાકિસ્તાનના તટ તરફ આગળ વધવાની સંભાવના છે.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer