પોલીસના વેશમાં પત્નીના મિત્ર સાથે ખંડણી માગનારો ઝડપાયો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : પત્નીના મિત્રને પોલીસ અધિકારી હોવાનું જણાવી બ્લેકમેલ કરી તેની પાસે લાખો રૂપિયાની ખંડણી માગનાર આરોપીની માનપાડા પોલીસે છટકું ગોઠવીને ધરપકડ કરી છે. આરોપીની ઓળખ તુષાર શિલવંત તરીકે થઇ છે. ગત કેટલાક દિવસોથી આરોપી અને તેની પત્નીમાં વિવાદ ચાલી રહ્યો હતો. લૉકડાઉનને પગલે આરોપીનો વેપાર ઠપ થયો હતો. આર્થિક અડચણમાંથી બહાર આવવા માટે આરોપીએ બિઝનેસમૅન પાસે ખંડણી માગી હોવાની કબુલાત પોલીસ સામે કરી છે. 
પ્રાપ્ત માહિતી અનુસાર ભિવંડીના રહેવાસી તુષારની પત્નીની મિત્રતા ડોમ્બિવલીના ફરિયાદી બિઝનેસમૅન સાથે હતી. આરોપી તુષારનો વેપાર લૉકડાઉનને પગલે ઠપ થયો હતો. પોતાની પત્નીની મિત્રતા એક બિઝનેસમૅન સાથે હોવાની જાણ થતાં સાતમી એપ્રિલે ડોમ્બિવલી (પૂર્વ)માંની બિઝનેસમૅનની અૉફિસમાં આરોપી પહોંચી ગયો હતો.  પોતાને ક્રાઇમ બ્રાંચનો અધિકારી હોવાનું જણાવી એક યુવતીએ તેની સામે ફરિયાદ નોંધાવી હોવાનું જણાવી, કેસમાંથી તેને બચાવવા માટે રૂપિયા લીધા હતા. ચાર દિવસમાં તેણે પાંચ લાખ રૂપિયા લીધા હતા. પહેલી મેએ ફરી યુવતી અમારી પર ફરિયાદ કરવા અને તેની ધરપકડ કરવા દબાણ કરી રહી હોવાનું જણાવી તેનું મોં બંધ કરવા માટે દસ લાખ રૂપિયાની માગણી કરી હતી. આરોપી વારંવાર રૂપિયા માગતો હોવાથી તેની ફરિયાદ બિઝનેસમૅને માનપાડા પોલીસ સ્ટેશને કરી હતી. દરમિયાન ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપી તુષાર શિલવંતે ફરી રૂપિયાની ઉઘરાણી માટે બિઝનેસમૅનને ફોન કર્યો હતો. બિઝનેસમૅને આ વાત માનપાડા પોલીસને જણાવ્યા બાદ આરોપીને છટકું ગોઠવીને ત્રણ લાખ રૂપિયા લીધા બાદ તાબામાં લેવાયો હતો. લૉકડાઉનને પગલે ધંધો ઠપ થવાને કારણે ખંડણી ઉઘરાવી હોવાની કબુલાત તુષારે કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer