મહિલાના બીજા લગ્નથી પંચાયત નારાજ

એક લાખનો દંડ અને થૂંક ચાટવાની સજા ફરમાવી
અકોલા, તા. 14 : મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં છૂટાછેડા બાદ બીજા લગ્ન કરનાર 35 વર્ષીય મહિલાને તેના સમાજની જાત પંચાયતે સજા તરીકે થૂંક ચાટવાની સજા સાથે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જોકે, મહિલાએ હિંમત દાખવીને આ મામલે તેમ જ આ દંડ બદલ ગ્રામ પરિષદ વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ અનુસાર આ ઘટના એપ્રિલ મહિનાની છે. 
જળગાંવમાં રહેતી મહિલાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે મહારાષ્ટ્ર સામાજિક બહિષ્કારના સંરક્ષણ અધિનિયમ 2016ની કલમ પાંચ અને છ હેઠળ જાત પંચાયતના દસ સભ્યો વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે. પોલીસ અધિકારી અનુસાર એફઆઇઆર ગુરુવારે સાંજે જળગાંવના ચોપડા સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. આ મામલે તપાસ અકોલાના પિંજર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. ફરિયાદ અનુસાર નવમી એપ્રિલે અકોલાના વડગાંવમાં આ ઘટના બની હતી જ્યાં પીડિતાના બીજા લગ્નના નિર્ણય લેવાના મામલે જાત પંચાયત બોલાવવામાં આવી હતી. પીડિતા નાથ જોગી સમાજની છે અને આ સમાજની જાત પંચાયત બીજા લગ્નનો સ્વીકાર કરતી નથી. વર્ષ 2015માં પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા બાદ પીડિતાએ વર્ષ 2019માં બીજા લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન વર્ષ 2011માં થયા હતા. પંચાયતે પીડિતાના બીજા લગ્નની ચર્ચા કર્યા બાદ તેની બહેન અને સંબંધીઓ સામે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. આ નિર્ણય વખતે પીડિતા ત્યાં ગેરહાજર હતી. પંચાયતના આદેશ અનુસાર પંચાયતના દસ સભ્યો એક કેળાના પાન પર થૂંકશે અને એ પીડિતાએ ચાટવું પડશે ઉપરાંત તેને એક લાખ રૂપિયાનો દંડ ફટકારાયો હતો. આ શરતોનું પલાન કર્યા બાદ પીડિતા સમાજમાં પરત ફરી શકે છે. ત્યાં સુધી તેને સમાજમાંથી બહિષ્કૃત કરી દેવામાં આવી છે. આ આદેશથી આઘાત પામેલી પીડિતાએ ત્યારબાદ જળગાંવના ચોપડા સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી. આ કેસ ત્યારબાદ પિંજર પોલીસને ટ્રાન્સફર કરાયો છે.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer