અક્ષય તૃતિયાએ સોનાની ધૂમ ખરીદી

જ્વેલર્સનો અૉનલાઇન વેચાણનો વ્યૂહ સફળ 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : લોકડાઉનના અંકુશોની અસર હેઠળ ગયા મહિનાની ગુડી પડવાની ઘરાકી નિષ્ફ્ળ ગઈ તેનો બોધપાઠ મેળવી દેશભરના જવેલર્સ ઓનલાઇન વેચાણ તરફ વળ્યાં તેના પરિણામે તેમની આજની અક્ષય તૃતીયા સુધરી ગઈ હતી. સોનાના ભાવમાં વધઘટ અને અનેક રાજ્યોમાં લોકડાઉન હોવાને કારણે દાગીનાની ઘરાકી નિષ્ફ્ળ જવાની આશંકા ખોટી પડી અને વેચાણ ગયા વર્ષના કરતા 25થી 30 ટકા વધુ થયું હતું. દુકાનો અને સ્ટોર્સ બંધ હોવાને કારણે ફિઝિકલ વેચાણ નહિવત થયું પણ ઓનલાઇન વેચાણ દ્વારા તેમની આ ખોટ ઓનલાઇન વેચાણ દ્વારા લગભગ સરભર થઇ ગઈ હતી. જોકે, ગુજરાતના જવેલર્સને અફસોસ રહી ગયો કે આજના શુભ દિને એક દિવસ પૂરતું પણ બજાર ખોલવા દેવાની માંગણી સરકારે સ્વીકારી નહીં.  
બજારોના સૂત્રોના જણાવવા પ્રમાણે ગયા વર્ષના અક્ષય તૃતીયાની અને આ વર્ષની ગુડી પડવાની  ફિઝિકલ ઘરાકી નિષ્ફ્ળ હોવાથી વેપારીઓએ વેચાણ મેળવવા માટે ગ્રાહકો સુધી પહોંચવાના તમામ માર્ગ અપનાવ્યા હતા, જેમાં પહેલા મીડિયા અને ઓનલાઇન જાહેરખબરોનો મારો કર્યા ચલાવ્યો અને પછી ગ્રાહકોના ઓર્ડર ટેલિફોન અને ઓનલાઇન લેવાનો માર્ગ અપનાવ્યો. તેમનો આ દાવ સફળ ગયો અને 2020ની સુસ્ત અક્ષય તૃતીયાની સરખામણીએ આજે વેચાણ અંદાજે રૂ 15,000 કરોડનું મેળવ્યું હોવાનો પ્રાથમિક અંદાજ મુકવામાં આવતો હતો. 
ઇંડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (ઈબજા)ના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે, વેચાણ મોડી રાત સુધી ચાલશે. તેથી કુલ વેચાણન આંકડો હજી વધશે.  
ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ ઍસોસિયેશનના રાષ્ટ્રીય મહામંત્રી સુરેન્દ્ર મહેતાના જણાવ્યા મુજબ વર્ષ 2020ની તુલનાએ અક્ષયતૃતીયા નિમિત્તે આજે દાગીનાનું વેચાણ 20થી 25 ટકા વધ્યું છે. જોકે, કોવિડ પૂર્વે વર્ષ 2019ની તુલનાએ 75 ટકા ઘટયું છે એમ કહી શકાય.
હવે વેપારીઓ તેમના ગ્રાહકોને ઓનલાઈન ડિઝાઈન અને ભાવ ઓફર કરે છે અને શુકનના બુકિંગ લઈ ડિલિવરી પછી આપે છે, એમ મહેતાએ જણાવ્યું હતું.
ગયા વર્ષે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન હતું. આ વખતે રાજ્ય સરકાર દ્વારા વિવિધ નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. આ નિયંત્રણો વચ્ચે ફેસ્ટિવલમાં ઝવેરીઓ દ્વારા મેકિંગ ચાર્જિસ ઘટાડવાની, અમુક ગ્રામ સોનાની ખરીદી ઉપર ચાંદી ફ્રી જેવી વિવિધ ઓફસર હંમેશાં મુજબ અપાઈ છે અને તેનો લાભ ગ્રાહકોએ ઉઠાવ્યો પણ છે.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer