દેશમાં કોરોનામાંથી સાજા થનારાઓનો આંક બે કરોડને પાર

દેશમાં કોરોનામાંથી સાજા થનારાઓનો આંક બે કરોડને પાર
3.43 લાખ નવા દર્દી સામે 3.44 લાખ સ્વસ્થ; ચાર હજાર મોત
નવી દિલ્હી, તા. 14 : અનેક નિર્દોષ બાળકોને અકાળે અનાથ બનાવી દેવાની અનેક સૌભાગ્યવતીઓનું સૌભાગ્યચિહ્ન ભૂંસી નાખવાની ક્રૂરતા આચરનારો કાળમુખો કોરોના ભારતમાં પોતાનું કદરૂપું કદ વધારતો જઈ રહ્યો છે. દેશમાં શુક્રવારે 3.43 લાખથી વધુ નવા દર્દીના ઉમેરાથી ઉચાટ વચ્ચે આશ્વાસનરૂપે આજે સાજા થયેલા દર્દીઓનો આંક બે કરોડને આંબી ગયો હતો. આજે વધુ 4 હજાર મોત સાથે મરણાંક 2,62,317 થઈ ગયો છે.
ભારતમાં આજે 3,43,144 નવા દર્દીની સામે 24 કલાક દરમ્યાન વધુ 3,44,776 દર્દી ઘાતક દર્દી કરતાં 1632 દર્દી વધુ સાજા થયા હતા.
દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 2.40 કરોડને આંબી 2 કરોડ 40,46,809 પર પહોંચી ગઈ છે, તો સમાંતરે કુલ 2 કરોડ, 79,599  દર્દી  સાજા  થઈ ચૂક્યા છે.
છેલ્લા ચાર દિવસમાં શુક્રવારે ત્રીજીવાર નવા દર્દી કરતાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધારે આવતાં સાજા દર્દીનો દર અર્થાત રિકવરી રેટ 0.14 ટકા વધીને 83.50 ટકા થઈ ગયો છે.
સંક્રમણમાં સતત ચિંતાજનક વધારા વચ્ચે સાંત્વનારૂપ સત્યમાં શુક્રવારે ત્રણ મહિના જેટલા લાંબા ગાળા બાદ પહેલીવાર 5632 સક્રિય કેસ ઘટયા હતા.
આજની તારીખે કુલ 37,04,893 દર્દી સારવાર હેઠળ છે. આમ, કુલ દર્દીની સંખ્યા સામે સક્રિય કેસોનું પ્રમાણ ઘટીને 15.41 ટકા થઈ ગયું છે.
ભારતીય તબીબી સંશોધન સંસ્થાન (આઈસીએમઆર) તરફથી મળતી માહિતી મુજબ ગઈકાલે ગુરુવારે એક દિવસમાં 18.75 લાખથી વધુ સહિત અત્યાર સુધી થયેલા કુલ ટેસ્ટનો આંક 31 કરોડને આંબી ગયો છે.
દેશના કુલ 10 રાજ્યમાં 71.16 ટકા સંક્રમિતો સાજા થઈ ચૂક્યા છે. આજે 72.70 ટકા મૃત્યુ 10 રાજ્યોમાં થયાં હતાં.
ભારતમાં શુક્રવારની સવારે સાત વાગ્યા સુધીનું ચિત્ર જોતાં કુલ 17.92 કરોડથી વધુ 17 કરોડ, 92 લાખ, 98,584 રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer