અક્ષત તૃતિયાએ સોનાનો વેપાર નહિવત : કૈટ

અક્ષત તૃતિયાએ સોનાનો વેપાર નહિવત : કૈટ
મુંબઈ, તા. 14 : દેશમાં સતત બે વર્ષથી અક્ષય તૃતિયાના દિવસે સોનાનો તથા સોનાના ઘરેણાંનો વેપાર નહિવત થયો છે. કૉન્ફેડરેશન અૉફ અૉલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્યતેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકરભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે અક્ષય તૃતિયા સાથે ઈદ પણ હોવાથી સોના-ચાંદીના વેપારીઓને ઈદ દરમિયાન થનારા વેપારનું પણ વધારાનું નુકસાન ખમવું પડયું છે. દેશના મોટાભાગના રાજ્યોમાં લૉકડાઉન છે, જ્યારે અન્ય રાજ્યોમાં કોરોના પ્રતિબંધોને કારણે તથા જ્યાં બજાર ખુલ્લા હતા ત્યાં પણ કોરોનાના ભયને કારણે ગ્રાહકો જ આવ્યા નહોતા. દેશમાં સોના-ચાંદી અને ઘરેણાંના લગભગ ચાર લાખ વેપારીઓ છે. `કૈટ'ના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ગયા વર્ષે પણ લૉકડાઉનને કારણે અક્ષય તૃતિયાના દિવસે જ્વેલરી વેપારીઓ કોઈ ખાસ વેપાર કરી શક્યા નહોતા. આથી વેપારીઓમાં નિરાશાનું વાતાવરણ છે. 
અૉલ ઈન્ડિયા જ્વેલર્સ ઍન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન (જેઆઈજેજીએફ)ના રાષ્ટ્રીય સંયોજક પંકજ અરોરાએ જણાવ્યું હતું કે ધનતેરસ પછી અક્ષય તૃતિયાના દિવસે સૌથી વધુ સોનું ખરીદાય છે પરંતુ કોરોનાને કારણે સતત બીજા વર્ષે પણ સોનાની ખરીદી નહિવત થઈ છે. જેઆઈજેજીએફના નીતિન કેડિયાએ જણાવ્યું હતું કે 2019માં અક્ષય તૃતિયાના દિવસે લગભગ 10000 કરોડ રૂપિયાનો કારોબાર થયો હતો. ત્યારે સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ લગભગ 35000 હતો. 2020માં સોનાનો ભાવ લગભગ 52000 રૂપિયા હતો અને લૉકડાઉનને કારણે ફક્ત 980 કરોડ રૂપિયાનો કારોબાર થયો હતો. આજે દેશમાં સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ લગભગ 49000 રૂપિયા છે પરંતુ સોનાનો વેપાર લગભગ 20 ટન પણ નથી થઈ શક્યો.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer