મહારાષ્ટ્ર અનામતનો ક્વૉટા 50 ટકાથી વધારવા સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન કરે : ફડણવીસ

મહારાષ્ટ્ર અનામતનો ક્વૉટા 50 ટકાથી વધારવા સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન કરે : ફડણવીસ
નાગપુર, તા. 14 (પીટીઆઈ) : અનામત ઉપર 50 ટકાની મહત્તમ મર્યાદાને વધારવા માટે મહારાષ્ટ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં રિવ્યુ પિટિશન નોંધાવવી જોઈએ એમ આજે ભાજપના આગેવાન અને વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે.
નાગપુર વિમાનીમથકે પત્રકારો સાથેની વાતચીતમાં ફડણવીસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડીની સરકાર મરાઠાઓને આરક્ષણના મુદ્દાની જવાબદારી કેન્દ્ર સરકારના શિરે ધકેલી રહી છે. મરાઠાઓને આરક્ષણ અંગે ગત પાંચમી મેના દિવસે સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદા અંગે ફેરવિચાર કરવા માટે કેન્દ્ર સરકારે અરજી નોંધાવી છે. અનામત બેઠકો માટે 50 ટકાની મહત્તમ મર્યાદાની સમીક્ષા માટે મહારાષ્ટ્ર સરકારે હજી સર્વોચ્ચ અદાલતમાં રિવ્યુ પિટિશન નોંધાવી નથી. કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટતા કરી છે કે બંધારણમાં 102મા સુધારા પછી પણ રાજ્યોનો અનામત બેઠકો અંગેનો અધિકાર યથાવત્ છે જ્યારે મહારાષ્ટ્ર સરકાર અન્યો ઉપર જવાબદારી ઢોળી દે છે એમ ફડણવીસે ઉમેર્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠાઓ માટે સરકારી નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં 50 ટકા બેઠકો અનામત રાખવાના આદેશને સર્વોચ્ચ અદાલતે ગત પાંચમી મેએ રદ કર્યો હતો.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer