કૉવૅક્સિનનું ઉત્પાદન હવે પુણેમાં પણ

કૉવૅક્સિનનું ઉત્પાદન હવે પુણેમાં પણ
ભારત બાયોટેકનો પ્લાન્ટ અૉગસ્ટમાં ધમધમતો થશે
અમારા પ્રતિનિધિ તરફથી 
પુણે, તા. 14 : કૉવૅક્સિન રસી બનાવતી હૈદરાબાદની ભારત બાયોટૅકની ઍસોસિયેટ કંપની બાયોવેટ પ્રાઈવેટ લિમિટેડના પ્રશાસકીય અધિકારીએ કહ્યું હતું કે અૉગસ્ટના અંત સુધીમાં પુણે પાસે મંજરીમાં રસી ઉત્પાદનનો અમારો પ્લાન્ટ શરૂ થઈ જશે એનો અમને વિશ્વાસ છે.  
બુધવારે પુણેના ડિવિઝનલ કમિશનર અને જિલ્લા કલેકટર બન્નેએ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. મુંબઈ હાઈ કોર્ટે તાજેતરમાં મંજરી ખાતે 12 હેક્ટરના પ્લોટ પર બાંધવામાં આવેલા રેડિ-ટુ-યુઝ રસી ઉત્પાદન પ્લાન્ટનો કૉવૅક્સિન રસી બનાવવા માટે એનો કબ્જો લેવાની બાયોવેટને પરવાનગી આપી હતી. 
કંપનીના પ્રશાસકીય અધિકારીએ કહ્યું હતું કે પ્લાન્ટમાં તમામ પાયાભૂત સુવિધા છે. બીજુ અમારી પાસે એક સમર્પિત ટીમ છે. એટલે ઉત્પાદન શરૂ કરવા અમારે કોઈ પાયાભૂત સવલતો ઊભી કરવાની જરૂર નથી. 
તેમણે કહ્યું હતું કે અત્યારે અમે પ્લાન્ટનું નિરીક્ષણ કરી રહ્યા છીએ. એને સાત દિવસનો સમય લાગશે. ટૂંક સમયમાં પ્લાન્ટ સંપૂર્ણપણ ધમધમતો થઈ જશે અને અૉગસ્ટના અંત સુધીમાં કોવેક્સિન રસીના પહેલા બૅચનું ઉત્પાદન પણ બહાર આવી જશે. 
તાજેતરમાં હાઈ કોર્ટે આ પ્લાન્ટનો કબજો લેવા બાયોવેટને મંજૂરી આપી હતી. મહારાષ્ટ્ર સરકાર આ પ્લાન્ટનો કબજો આપે એ માટે બાયોવેટ કંપનીએ હાઈ કોર્ટના દરવાજા ખખડાવેલા અને કોર્ટે મંજૂરી પણ આપી હતી. 
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer