તૌકતે વાવાઝોડાને પગલે આજે પવન અને વરસાદની આગાહી

તૌકતે વાવાઝોડાને પગલે આજે પવન અને વરસાદની આગાહી
પાલિકા શનિ અને રવિવારે રસી નહીં આપે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : ભારતીય હવામાન ખાતાએ આપેલી સૂચના અનુસાર અરબી સમુદ્રમાં તૌકતે નામનું વાવાઝોડું સર્જાયુ હોવાથી તે 15મી અને 16મી મેએ મુંબઇની નજીક આવવાની શકયતા વ્યકત કરાઇ છે. તેથી મહાનગર પાલિકા કમિશનર ઇકબાલ સિંહ ચહલે પાલિકાની સર્વ સંબંધિત યંત્રણાને સતર્ક રહેવાના આદેશ આપ્યા છે. પંદરમી અને 16મી મેએ તમામ રસીકરણ કેન્દ્રો બંધ રાખવાના આદેશ પાલિકાએ બહાર પાડયો છે. આ ઉપરાંત જમ્બો કોવિડ કેર સેન્ટર અને કેર સેન્ટર નજીકના 386 વૃક્ષોની ડાળીઓને કાપી નાખવામાં આવી છે.    
અનિચ્છનીય બનાવોને પહોંચી વળવા તંત્ર સાબદું
અરબી સમુદ્રમાં ઓછા દબાણના પટ્ટાનો વેગ તૈયાર થઇ રહ્યો છે. રવિવાર સુધીમાં મહારાષ્ટ્ર, કેરળ અને ગુજરાતના કિનારાઓ પર વાવાઝોડુ આવવાની શકયતા છે. ભારતીય હવામાન વિભાગે મુંબઇ અને થાણે માટે યલો અલર્ટ જારી કર્યો છે. ભારે પવન સાથે મુશળધાર વરસાદની શકયતા પંદરમી અને 16મી મેએ વ્યકત કરવામાં આવી છે. તેથી સાવચેતીના પગલારૂપે મુંબઇના દરેક કિનારા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. દરેક કિનારા પર 96 જીવ રક્ષક (લાઇફ ગાર્ડ) તૈનાત કરી દેવાયા છે તેમ જ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સને પણ અલર્ટ પર મૂકી દેવાયા છે. 
મુંબઈમાંના કેટલાક ભાગોમાં પંદરમી અને 16મી મેએ મુશળધાર વરસાદની શકયતા છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અગ્નિશમન દળની બચાવ ટીમને આઠ કેન્દ્રો પર તૈનાત કરી દેવાઇ છે. આ કેન્દ્રો પર પૂર બચાવ ટીમ સહિત આવશ્યક યંત્રણા તૈનાત કરાયા છે ઉપરાંત છ દરિયા કિનારાઓ પર 96 લાઇફ ગાર્ડ તૈનાત કરાયા છે. તેમને જેટસ્કી, બોટ, દૂરબીન તેમ જ ટોર્ચ સાથે તૈનાત રાખી દેવાયા છે. દરિયા કિનારા નજીકની વસતીઓમાં એલર્ટ અપાયા છે અને નાગરિકોને સતર્ક રહેવા જણાવાયું છે. 24 વિભાગોમાં નિયંત્રણ કક્ષને મનુષ્ય બળ તથા જત્રરી યંત્રણા સાથે સુસજ્જ કરી દેવાયા છે.
વાવાઝોડાની ચેતવણીને પગલે 142 બૉટ રાયગડના કિનારે પાછી ફરી 
ભારતીય હવામાન ખાતાએ ભારે વાવાઝોડાની કરેલી આગાહીને પગલે 142 ફાશિંગ બૉટ શુક્રવારે કિનારે પાછી ફરી છે. વાવાઝોડુ 16 મેના મુંબઈ અને કોકણ પર ત્રાટકે એવી શક્યતા હોવાનું અધિકારીએ જણાવ્યુ હતું. 
અલિબાગ, મુરુડ અને ઉરણ તાલુકાની માછીમારી માટે ગયેલી અને ગુરુવાર સુધી માછીમારી કરતી ઓછામાં ઓછી 142 ફાશિંગ બૉટ કિનારે પાછી ફરી છે, એમ અધિકારીએ જણાવ્યુ હતું.
રવિવારે સાધારણ વરસાદની આગાહી
કોલાબા વેધશાળાએ શુક્રવારે રાત્રે કરેલી આગાહીમાં જણાવ્યું છે કે શનિવારે મુંબઈમાં આકાશ અંશત: વાદયછાયુ રહેશે. મહત્તમ અને લઘુતમ ઉષ્ણતામાન અનુક્રમે 34 ડિગ્રી અને 27 ડિગ્રી સેલ્શિયસ રહેશે. રવિવારે આકાશ એકંદરે વાદળછાયુ રહેશે. વધુમાં નજીવો કે મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન ખાતાની આગાહીને પગલે મુંબઈ પાલિકાએ રસી આપવાના કેન્દ્રો બંધ રાખવા સહિત તકેદારીના વિવિધ પગલાં ભર્યાં છે.
મહારાષ્ટ્ર-ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી 
હવામાન ખાતાએ ચેતવણી આપતા જણાવ્યુ કે, અરબી સમુદ્રમાં સર્જાયેલા હળવા દબાણના પટ્ટો તૈયાર થયો છે જેને કારણે 16 મે સુધીમાં તોફાની ચક્રવાતી વાવાઝોડુ સર્જાશે. એને કારણે મુંબઈ, ગોવાના અમુક વિસ્તાર અને દક્ષિણ કોકણ ઉપરાંત ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
ગુજરાતના કિનારા વિસ્તારમાં પણ 17 મે પછી વરસાદ પડી શકે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 18 મેના ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. એ સાથે રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં 19 મેના વરસાદ પડશે. 
આગામી પાંચ-છ દિવસમાં આ વિસ્તારમાં વાવાઝોડું ફૂંકાશે અને વરસાદ સાથે 50થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer