દેશવાસીઓના દુ:ખ, તકલીફો હું અનુભવું છું

દેશવાસીઓના દુ:ખ, તકલીફો હું અનુભવું છું
અદૃશ્ય દુશ્મન સામે કવચ છે વૅક્સિન : વડા પ્રધાન
નવી દિલ્હી, તા.14 : કોરોના મહામારીથી ભારતમાં મચેલી તબાહી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી જે દુ:ખ, તકલીફમાંથી દેશવાસીઓ પસાર થઈ રહ્યા છે તેને હું પણ અનુભવી રહ્યો છું. ભારત અને ભારતીયો હિંમત નહીં હારે. આપણે લડીશું અને જીતીશું.
કિસાન સમ્માન નિધિનો 19 હજાર કરોડનો 8મો હપ્તો જારી કરતાં વડાપ્રધાને કહ્યું કે 100 વર્ષ બાદ આવેલી આટલી ભીષણ મહામારી ડગલે ને પગલે દુનિયાની પરીક્ષા લઈ રહી છે. કોવિડ 19ને અદ્રશ્ય દુશ્મન ગણાવતાં કહ્યંy કે આપણે ઘણાં નજીકના લોકોને ગુમાવી ચૂકયા છીએ. બચાવનું એક મોટુ માધ્યમ છે કોરોના વેક્સિન. કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને નિરંતર પ્રયાસ કરી રહ્યા છે કે વધુને વધુ દેશવાસીઓનું ઝડપી રસીકરણ થઈ જાય. દેશમાં અત્યાર સુધીમાં 18 કરોડ લોકોનું રસીકરણ કરાઈ ચૂકયુ છે.
તેમણે અપીલ કરી કે દેશની સરકારી હોસ્પિટલોમાં નિ:શુલ્ક રસીકરણ કરાઈ રહ્યું છે એટલે જ્યારે પણ વારો આવે રસી જરૂર લગાવડાવો. આ રસી આપણને કોરોના સામે કવચ પૂરૂ પાડશે અને ગંભીર બીમારીની આશંકા ઓછી કરશે.
વડાપ્રધાને રાજ્ય સરકારોને અપીલ કરી કે દવાઓ અને મેડિકલ  સપ્લાયમાં સંગ્રહાખોરી અને કાળાબજાર માનવતાના વિરૂદ્ધ છે. આવા લોકો સામે કડક પગલાં લેવામાં આવે. ગ્રામીણ વિસ્તારો અંગે કહ્યું કે ગ્રામ પંચાયતો પોતપોતાના વિસ્તારોમાં જાગૃતતા અને સેનિટાઈઝેશનને પ્રોત્સાહન આપે.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer