ડૉલર-બૉન્ડના સુધારાએ સોનાની તેજી અટકાવી

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 8 : ડોલરમાં સુધારાની ચાલ જળવાઇ રહેતા સોનાનો ભાવ 1900 ડોલરનું સ્તર વટાવી શક્યો ન હતો. અલબત્ત ડોલરને કારણે બુલિયનની માગમાં ઘટાડો થયો છે. જોકે આગલા દિવસથી સોનું થોડું વધ્યું હતુ. રોકાણકારો અમેરિકાના ફુગાવાના આંકડાની રાહ જોઇ રહ્યા છે, એ પછી ફેડ દ્વારા નાણાનીતિ અને ઉદ્દીપક પેકેજ અંગે કોઇ જાહેરાત કરવામાં આવે તેવી આશા છે. 
ઝવેરી બજારમાં રાજકોટ ખાતે 24 કેરેટ શુધ્ધ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રુ.110ના સુધારામાં રુ. 50180 અને મુંબઇમાં રુ. 225 વધીને રુ. 49031 હતો. ચાંદી ન્યૂયોર્કમાં 27.73 ડોલર હતી. સ્થાનિક બજારમાં એક કિલોએ રુ.200ના સુધારામાં રુ. 71200 અને મુંબઇમાં રુ. 581ના વધારા સાથે રુ. 71331ના ભાવ રહ્યા હતા. 
ન્યૂયોર્કમાં આ લખાય છે ત્યારે સોનાનો ભાવ 1889 ડોલર સુધી ઘટ્યા પછી 1897 ડોલર રનીંગ હતો. અત્યારે સોનું 1900ની તદ્દન નજીક છે. વિશ્લેષકો કહે છે, જો બિડેન દ્વારા 4 ટ્રીલીયન ડોલરનું પેકેજ જાહેર કરવામાં આવ્યુંછે તેનાથી અમેરિકી અર્થતંત્રને જરુર ફાયદો થશે તેવું ફેડના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલને કહ્યું હતુ. જોકે તેનાથી ફુગાવો વધે તો પણ ઉંચા વ્યાજદરોની નીતિ ફરીથી આવશે. 
ગુરુવારે યુરોપીયન સેન્ટ્રલ બેંકની નાણાનીતિ અંગેની બેઠક છે. અને એ જ દિવસે અમેરિકાના ગ્રાહક ભાવનો ઇન્ડેક્સ રજૂ થવાનો છે. બન્નેને આધારે અમેરિકાની નાણાનીતિ નક્કી થશે. ગ્રાહક ભાવ વધશે તો ફુગાવો ઉંચકાઇ રહ્યો હોવાનો સંકેત મળશે. એમ થાય તો ફેડ વ્યાજદર અંગે ગંભીરતાપૂર્વક વિચારણા શરું કરશે. જોકે એમ થાય તો તે સોના માટે નકારાત્મક છે. સોનાનો ભાવ આવા સંજોગોમાં ઘટે તો તે ટૂંકાગાળાનો હશે. બોન્ડના યીલ્ડ પણ સાથે ઉંચકાય અને ડોલર પણ તેજીમાં રહે તો સોનું ફરીથી 1800 કે તેનાથી નીચે જવાનું જોખમ છે. જોકે અત્યારે તેવી કોઇ શક્યતા દેખાતી નથી. છતાં ફંડો અને રોકાણકારો સાવચેત જરુર છે. કદાચ એ કારણે જ સોનું 1900 ડોલરની સપાટી ઉપર ટકી શકતું નથી.
Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer