જૂનના પહેલા સપ્તાહમાં નિકાસ 52.39 ટકા વધી $ 7.71 અબજ થઈ

જૂનના પહેલા સપ્તાહમાં નિકાસ 52.39 ટકા વધી $ 7.71 અબજ થઈ
નવી દિલ્હી, તા. 9 : એન્જિનિયરિંગ, જેમ્સ ઍન્ડ જવેલરી અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં નોંધપાત્ર વધારો થવાથી જૂનના પહેલા સપ્તાહમાં નિકાસ 52.39 ટકા વધીને $ 7.71 અબજ થઈ હોવાનું વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.  
જોકે, જૂન માસની 1થી 7 તારીખ દરમિયાન આયાતમાં પણ 83 ટકાનો માતબર ઉછાળો જોવામાં આવ્યો છે અને સાપ્તાહિક ધોરણે આયાત $ 9.1 અબજની થઈ હોવાનું વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું છે.  
એન્જિનિયરિંગ, જેમ્સ ઍન્ડ જવેલરી અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ અનુક્રમે 59.7 ટકા વધીને $ 74.18 કરોડ, 96.38 ટકા વધીને $ 29.78 કરોડ અને 69.53 ટકા વધીને $ 53.06 કરોડની થઈ હોવાનું વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું છે.  
જોકે, ખનિજ લોખંડ, તેજાના અને તેલીબિયાંની નિકાસ નકારાત્મક રહી હોવાનું સત્તાવાર આંકડામાં જણાવવામાં આવ્યું છે. 
પેટ્રોલિયમ અને ક્રૂડતેલની આયાત 135 ટકા ઉછળીને $1.09 અબજ થઈ છે. ઇલેક્ટ્રોનિક્સ સામાન અને મોતીની આયાત 45.85 ટકા વધીને $ 32.47 કરોડ અને કીમતી હીરાની આયાત 111 ટકા વધી $ 29.4 કરોડ થઈ હતી.  
અમેરિકામાં નિકાસ 60 ટકા વધી $ 50 કરોડ, યુએઈમાં 57.86 ટકા વધી $ 17.03 કરોડ અને બાંગ્લાદેશમાં 212 ટકા વધી $ 16.63 કરોડની થઈ હતી.  
ગત મે માસમાં નિકાસ 67.39 ટકા વધી $ 32.21 અબજની થઈ હતી. ગયા મહિને પણ એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને હીરા - ઝવેરાતની નિકાસ વધવાથી એકંદર નિકાસમાં વધારો જોવા મળ્યો હતો.  
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer