કાચા માલના ભાવ વધતાં તાડપત્રી બજારમાં તેજી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : પ્લાસ્ટિક તાડપત્રીની કાચી સામગ્રીના ભાવ 30થી 35 ટકા વધી જવાથી ફિનિશ્ડ તાડપત્રીના ભાવ 15થી 20 ટકા આ વેળા ઊંચા નીકળ્યા છે. ક્રૂડ તેલની તેજીના કારણે પેટ્રોપ્રોડક્ટસ સમાન પ્લાસ્ટિક્સના ભાવ વધ્યા છે. કાચી સામગ્રીની આયાત તાઈવાન, મલેશિયા, દુબઈથી થાય છે. ચીન પોતે કાચી સામગ્રીની આયાત કરે છે.
કોરોના મહામારીની પ્રથમ લહેર વેળા 2020ના ફેબ્રુઆરી-માર્ચમાં ઉત્પાદન અને સ્ટોક પૂરતા હોવાથી તેનું મે-જૂનની સિઝનમાં વેચાણ કરી શકાયું હતું. આ સામે કોરોનાની બીજી લહેર વેળા 2021ના ફેબ્રુઆરી-માર્ચમાં કાચી સામગ્રીની મોંઘારતના કારણે ઉત્પાદન ઓછું થયું હતું, વળી પરપ્રાંતીય મજૂરો તેમના યુપી, બિહાર, રાજસ્થાનના વતન ભણી હિજરત કરી જતાં ઉત્પાદનને વધુ માર પડયો હતો. આથી મે-જૂનની સિઝનમાં વેચવા માટે સ્ટોક ઓછો છે. આથી ગત વર્ષ કરતાં ચાલુ વર્ષની સિઝન વેપાર માટે થોડીક નબળી નીવડશે, એમ અકવાપ્રૂફ પ્લાસ્ટિક્સના મોવડી કૌશિક વિસરીયાને જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર સરકારે છત્રી, રેઇનકોટની જેમ તાડપત્રીને પણ આવશ્યક સેવાની યાદીમાં મૂકવાથી તાડપત્રીનું ઉત્પાદન ચાલુ રહ્યું હતું પણ છૂટક દુકાનદારોને તાડપત્રી વેચવાની સવલત મળી નહોતી. હવે છૂટક દુકાનો બપોરના બે વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટથી રીટેલ વેચાણ સુધર્યું છે પણ હજી ટ્રેનો-બસ બંધ હોવાથી રીટેલરો ખરીદી માટે જથ્થાબંધ બજારમાં પહોંચી શકતા નથી. જથ્થાબંધ બજાર જે મસ્જિદબંદર ડામર ગલીમાં અને સ્ટેશન પાસે હતી તે હવે વિકેન્દ્રીત થઈ વિકસતી જાય છે. હવે વાશીની એપીએમસી માર્કેટ તરફ પણ જથ્થાબંધ બજાર વિકસી ગયું છે. તાડપત્રીના ઉત્પાદકો અને વેપારીઓની સંખ્યા પણ ધીમેધીમે વધતી જાય છે. અગાઉ આ ક્ષેત્રે માત્ર વાણિયાઓ હતા પણ હવે મુસ્લિમો ઘણા આવી ગયા છે. ફૂટપાથ પર તાડપત્રી ઘણી વેચાતી થઈ ગઈ છે.
કાપડની તાડપત્રી ભાવમાં મોંઘી અને વજનમાં ખૂબ ભારે હોવાથી તેનું ચલણ ઘટી હવે માંડ દસેક ટકા જેટલું રહ્યું છે. જ્યુટની તાડપત્રીનું ચલણ નહિવત્ રહ્યું છે. નાયલોન-પીવીસીની અમુક તાડપત્રીઓ આગ પ્રતિરોધક પણ આવે છે. બાકી અત્યારે ચલણ પ્લાસ્ટિક તાડપત્રીનું જ વધુ છે.
પ્લાસ્ટિક તાડપત્રીના બલ્ક અૉર્ડરના ભાવ કિલોદીઠ બોલાય છે જ્યારે છૂટકમાં ચો. ફૂટના ભાવ બોલાય છે. બલ્કમાં સ્ટાન્ડર્ડ તાડપત્રીના ભાવ રૂા. 145થી 150 + જીએસટી છે. ઊંચા બ્રાન્ડેડ માલોના ભાવ રૂા. 200થી 225 છે. અમદાવાદવાળા 50 ટકા મિક્સિંગ કરતા હોવાથી તે કાચી સામગ્રીના ભાવથી ઓછા ભાવે ડાલ્ડા તાડપત્રી વેચે છે. અમદાવાદની મિક્સિંગ તાડપત્રી રૂા. 115થી 120ના ભાવે વેચાય છે.
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer