ભાજપને કૉંગ્રેસથી પાંચ ગણું રૂ. 750 કરોડનું ભંડોળ મળ્યું

નવી દિલ્હી, તા. 10 : ભારતીય જનતા પાર્ટી 2014થી કેન્દ્રની સત્તામાં છે. આ દરમિયાન પક્ષને કોર્પોરેટ અને વ્યક્તિગત દાન પ્રાપ્ત કરવા મુદ્દે સૌથી ઉપર છે. ચૂંટણી પંચને સોંપેલા પોતાના રિપોર્ટમાં પક્ષે કહ્યું છે કે વર્ષ 2019-20મા પક્ષને કંપનીઓ અને વ્યક્તિઓ પાસેથી લગભગ 750 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. જે કોંગ્રેસને મળેલા (139 કરોડ રૂપિયા) દાનથી ઓછામાં ઓછુ પાંચ ગણું વધારે છે. આ સમયગાળામાં એનસીપીને 59 કરોડ રૂપિયા, ટીએમસીને 8 કરોડ રૂપિયા, સીપીએમને 19.6 કરોડ રૂપિયા અને સીપીઆઈને 1.9 કરોડ રૂપિયા મળ્યા છે.
એક અહેવાલ મુજબ ભાજપને દાન આપનારાઓમાં સાંસદ રાજીવ ચંદ્રશેખરની જુપિટર કેપિટલ, આઈટીસી ગ્રુપ, રિયલ એસ્ટેટ કંપનીઓ મેક્રોટેક ડેવલોપર્સ અને બીજી શિર્કે કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી, પ્રુડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ તેમજ જનકલ્યાણ ઈલેક્ટોરલ ટ્રસ્ટ મુખ્ય છે.
ભાજપને પ્રુડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ પાસેથી 217.75 કરોડ રૂપિયા મળ્યા છે. આ ઉપરાંત જનકલ્યાણ ઈલેક્ટોરલ ટ્રસ્ટ પાસેથી 45.95 કરોડ, જુપિટર કેપિટલ પાસેથી 15 કરોડ, આઈટીસીથી 76 કરોડ, લોઢા ડેવલોપર્સથી 21 કરોડ અને ગુલમર્ગ ડેવલોપર્સ પાસેથી 20 કરોડ રૂપિયા દાન મળ્યું છે.
ચૂંટણી ટ્રસ્ટ એક ધારા 25 કંપની છે જે મુખ્ય રૂપે કોર્પોરેટ એકમો પાસેથી સ્વૈચ્છિક દાન મેળવે છે અને તેને રાજનીતિક દળને વિતરીત કરે છે. આ રાજનીતિક યોગદાન કરતા દાન આપનારાઓનું નામ ગુપ્ત રાખે છે. પ્રુડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટના પ્રમુખ દાતાઓમાં ભારતી એન્ટરપ્રાઈઝ, જીએમઆર એરપોર્ટ ડેવલોપર્સ અને ડીએલએફ લિમિટેડ છે. જનકલ્યાણ ઈલેક્ટોરલ ટ્રસ્ટને જીએસડબલ્યુ ગ્રુપની કંપનીઓ પાસેથી ભંડોળ મળે છે.
ભાજપને ઓક્ટોબર 2019મા બિલ્ડર સુધાકર શેટ્ટી સંબંધિત રિયલ એસ્ટેટ કંપની ગુલમર્ગ રિયલ્ટર્સ પાસેથી પણ 20 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું.
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer