માત્ર 250 રૂપિયામાં કોવિડ-19ની ટેસ્ટ ઘરેબેઠા કરવાની કિટને મંજૂરી

મુંબઈ, તા. 10 : ગુજરાતના વાપીમાં આવેલી ગ્લોબલ મેડટેક કંપની, મેરિલે આજે કોવિડ-19 માટેની સેલ્ફ રૅપિડ એન્ટિજન કિટને ઇન્ડિયન કાઉન્સિલ અૉફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ની મંજૂરી મળી હોવાનું જાહેર કર્યું હતું. દેશમાં વિકસિત ટેસ્ટિંગ કિટ સંક્રમિત વ્યક્તિમાં રહેલા સાર્સકૉવ-2 વાયરસને શોધી કાઢે છે અને એના ઉપયોગ થકી વ્યક્તિ કોવિડ-19 સંક્રમિત છે કે નહીં એની તુરંત જાણ થઈ શકશે. ટેસ્ટિંગ કિટ આઈસીએમઆરના માપદંડ અનુસાર તૈયાર કરવામાં આવી છે. મેરિલના ઘરેલુ ઉપયોગવાળા રૅપિડ એન્ટિજન ટેસ્ટ, કોવિડ-19નું ટેસ્ટિંગ કરવાની સાથે રાષ્ટ્રને કોવિડના ફેલાવાને રોકવા સતત વધતી ટેસ્ટિંગની માગને પહોંચી વળવામાં પણ સહાયરૂપ બનશે. ઉચ્ચ ગુણવત્તાવાળા રૅપિડ એન્ટિજન ટેસ્ટ ઓછી સુવિધાવાળા વિસ્તારમાં પણ થઈ શકશે. 
કોવિફાઇન્ડ એ ઇનવેસિવ સ્વૅબ આધારિત ટેસ્ટ કરે છે અને એ 15 મિનિટમાં રિપોર્ટ આપે છે. મેરિલના મોબાઇલ ઍપ કોવિફંડમાં વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કિટ દરેક પ્રકારના વાયરલ લૉડવાળા કેસમાં અસરકારક છે. કોવિફાઇન્ડ સંક્રમણની ચેન તોડવા અને લૅબ સંબંધી મૂળભૂત સુવિધા પરનો બોજ હળવો કરવા માટેનું સરળ અને કિફાયતી સાધન છે. 
તેની કિંમત 250 રૂપિયા છે અને એ દેશભરની દવાની દુકાનો, અૉનલાઇન દવા વેચાનારા, ઈ-કૉમર્સ અને વેબસાઇટ પર સીધો અૉર્ડર આપવાથી બે અઠવાડિયાંની અંદર આપને ઉપલબ્ધ થશે. 
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer