નેપાળથી આયાત થતાં ખાદ્યતેલનો ક્વોટા નક્કી કરવાની માગણી

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 10 : અખિલ ભારતીય ખાદ્યતેલ વેપારી મહાસંઘે કેન્દ્ર સરકારને નેપાળથી આયાત કરાતા ખાદ્ય તેલો માટે એક નિશ્ચિત ક્વોટા ફિક્સ કરવાની આગ્રહભરી વિનંતી કરી છે. 
મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે કહ્યું હતું કે નેપાળમાં પામતેલ, સોયાબીન તેલ અને સુરજમુખી તેલનું ઉત્પાદન થતું નથી અને ત્યાં આની ક્રાશિંગ-પ્રોસાસિંગ ક્ષમતા પણ અત્યંત સિમિત છે. આમછતાં આ ખાદ્યતેલો ત્યાંથી ભારત આવે છે. નેપાળના વેપારીઓ વિદેશથી આ ખાદ્યતેલ મગાવે છે અને તેને દેશી ઉત્પાદન ગણાવી ભારતમાં મોકલે છે. ગયા વર્ષે ચાર લાખ ટન ખાદ્યતેલ ત્યાંથી ભારત આવું હતું. 
તેમણે કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના શરૂઆતમાં 35.75 અબજનું ખાદ્ય તેલ નેપાળથી ભારત આવ્યું છે. આ માત્રા ગયા નાણાકીય વર્ષ કરતાં ચારગણી છે. નેપાળ દક્ષિણ એશિયા મુક્ત વેપાર ક્ષેત્ર (સાફ્ટા) સંધીના માલના મૂળ ઉદ્ગમ સ્થળની શરતનું ઉલ્લંઘન કરતું હોવાથી કેન્દ્ર સરકારે એના પર અંકુશ મુકવાની જરૂર છે. એ સિવાય દેશી ઉત્પાદકો પર એની વિપરિત અસર પડી રહી છે. 
ગયા વર્ષે શરૂઆતના મહિનાઓમાં નેપાળથી 8.36 અબજ રપિયાના મુલ્યનું સોયાબીન તેલ નેપાળથી આવેલું. આ વર્ષે નેપાળે 36 અબજનું સોયાબીન તેલ આયાત કર્યું હતું અને આમાંથી મોટાભાગનું તેલ ભારત આવ્યું છે. 
શંકર ઠક્કરે કહ્યું હતું કે નેપાળથી આવતા ખાદ્યતેલની ગુણવત્તા પણ શંકાસ્પદ છે અને સાફ્ટા સંધી પ્રમાણે કોઈપણ જાતના શુલ્ક વગર આ ખાદ્યતલ ભારત આવે છે. આમ કેન્દ્ર સરકારને કોઈ મહેસૂલ પણ મળતી નથી.  વાસ્તવમાં કેન્દ્રને દર વર્ષે 1200 કરોડની આવકનું નુક્સાન જઈ રહ્યું છે. આ આયાત કૌભાંડમાં અમુક મોટા ગ્રુપ સંડોવાયેલા હોવાની શક્યતા છે. 
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer