કેન્દ્રએ નક્કી કરેલા દરને કારણે સોસાયટીઓ અને અૉફિસોમાં રસી ઝુંબેશ મુશ્કેલ

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 10 : કેન્દ્ર સરકારે ખાનગી હૉસ્પિટલો દ્વારા અપાતી કોરોનાની રસીના દર પર સીમા બાંધી દીધી હોવાથી હાઉસિંગ સોસાયટીઓ અને અૉફિસોમાં ચાલતી રસીકરણની ઝુંબેશ પર એની અસર પડશે. ખાનગી હૉસ્પિટલોનું કહેવું છે કે આ દરમાં હૉસ્પિટલની બહાર રસીકરણની ઝુંબેશ ચલાવવાનું પોષાય એમ નથી. 
કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે મંગળવારે રસીના ડોઝના દર નક્કી કર્યા હતા. કૉવૅક્સિન રસીના પ્રત્યેક ડોઝના 1410 રૂપિયા કોવિશિલ્ડના 780 રૂપિયા. અને સ્પુતનિક-વી રસીના 1145 રૂપિયા નક્કી કરાયા હતા. આ દરમાં પાંચ ટકા જીએસટીનો અને 150 રૂપિયા સર્વિસ ચાર્જનો પણ સમાવેશ છે.  આરોગ્ય મંત્રાલયે એમ પણ કહ્યું છે કે ખાનગી હૉસ્પિટલોને જેટલી રસીનો સ્ટૉક જોઈતો હોય એની જાણ રાજ્ય સરકારને કરવાની અને રાજ્ય સરકાર આ રસીની વ્યવસ્થા કેન્દ્ર સરકાર પાસેથી કરી આપશે. આ શરતથી પણ ખાનગી હૉસ્પિટલો ખુશ નથી. 
કેન્દ્ર સરકારનું કહેવું છે કે નાની અને મોટી હૉસ્પિટલોમાં રસીનું સમાન વિતરણ કરવા અને પ્રાદેશિક સમતુલા જાળવવાના ઈરાદેથી આ શરત મુકાઈ છે. ખાનગી હૉસ્પિટલોનું માનવું છે કે આ શરતને લીધે અમે રસીના ઉત્પાદકોનો સીધો સંપર્ક કરી શકીશું નહીં. 
રાજ્ય સરકારના એડિશનલ ચીફ સેક્રેટરી પ્રદીપ વ્યાસે કહ્યું હતું કે રાજ્ય સરકારે પણ કેન્દ્ર પાસેથી અમુક સ્પષ્ટતા માગી છે. અમુક બાબતો નીતિમાં સ્પષ્ટ નથી. 
સરકારે રસીના બાંધેલા દર વિશે ઍસોસિયેશન અૉફ હૉસ્પિટલના પ્રેસિડન્ટ ગૌતમ ખન્નાએ કહ્યું હતું કે જે દર નક્કી કરાયા છે એ જોતા લોકોને ઘરની પાસે રસી આપવા જવાનું હવે શક્ય નહી બને. આનું કારણ એ છે કે રસી આપનાર ટીમને વિવિધ રસીકેન્દ્રો પર મોકલવાનું, રસીને કોલ્ડ ચેઈનમાં સાચવવાનું અને ડૉક્ટરો અને નર્સોની ટીમને રસી કેન્દ્રમાં ગોઠવવાનું આ નવા દર પ્રમાણે પોષાય એમ નથી. 
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer