ફાઇનલનો ચોથો દિવસ પણ વરસાદમાં ધોવાયો

ફાઇનલનો ચોથો દિવસ પણ વરસાદમાં ધોવાયો
આજે પણ વરસાદના વિઘ્નની આગાહી : ડ્રો તરફ ઢસડાતો ફાઇનલ મુકાબલો
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ
સાઉથમ્પટન તા.21: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના ફાઇનલ મુકાબલાનો ચોથો દિવસ પણ વરસાદમાં ધોવાઇ ગયો છે. સાઉથમ્પટનમાં ગઇકાલ રાત અને આજ સવારથી સતત વરસાદને લીધે એક પણ દડો ફેંકાયા વિના અમ્પાયરે ચાના સમયની ઠીક પહેલા ચોથા દિવસની રમત સમાપ્ત જાહેર કરી હતી. આથી વિશ્વ ક્રિકેટનો બહુપ્રતિષ્ઠિત ફાઇનલ મેચ વરસાદને લીધે લગભગ ડ્રો તરફ ઢસડાઇ રહ્યો છે. જો મેચ ડ્રો રહેશે તો બન્ને ટીમ સંયુકત વિજેતા જાહેર થશે. તા. 23મીએ એકસ્ટ્રા દિવસની રમત હવે નિશ્ચિત બની છે.
આવતીકાલ મંગળવારે પણ સાઉથમ્પટનમાં વરસાદની આગાહી છે. આથી મેચના પાંચમા દિવસે પણ કેટલી રમત શકય બનશે તે નિશ્ચિત નથી.
ગઇકાલે રમત બંધ રહી ત્યારે ભારતના 217 રનના જવાબમાં ન્યુઝીલેન્ડના પહેલા દાવમાં બે વિકેટે 101 રન થયા હતા. તે ભારતથી હજુ 116 રન પાછળ છે અને 8 વિકેટ અકબંધ છે. કિવિ કપ્તાન કેન વિલિયમ્સન 12 રને અને રોસ ટેલર ખાતું ખોલાવ્યા વિના રમતમાં હતા. ડવેન કોન્વે 153 દડામાં 54 રન કરીને ત્રીજા દિવસની આખરી ઓવરમાં ઇશાંતનો શિકાર બન્યો હતો. જયારે લાથમ (30)ની અશ્વિને વિકેટ લીધી હતી. અત્યાર સુધી ફાઇનલ મેચમાં ચાર દિવસમાં ફકત 141.1 ઓવર જ સંભવ બની છે.
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer