સોનામાં તીવ્ર કડાકા પછી વળતો સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 21 : વૈશ્વિક સોનાના ભાવમાં 1 ટકા કરતા વધારે તેજી થઇ હતી. ગયા સપ્તાહમાં માર્ચ 2020 પછીનો સૌથી મોટો અઠવાડિક ઘટાડો આવ્યા પછી વળતો સુધારો થતા સોનું 1784 ડોલરના સ્તરે હતુ. નીચાં મથાળે સોનાની માગ વધી હતી અને બીજી તરફ અમેરિકી ટ્રેઝરી યીલ્ડ અને ડોલરના મૂલ્યમાં તેજી અટકી ગઇ હતી. ચાંદી પણ સાધારણ વધીને 26.02 ડોલરની સપાટીએ હતી. 
સાક્સો બેંકના કોમોડિટી વિશ્લેષક કહે છે, ગયા સપ્તાહે બોન્ડ અને ડોલરની તીવ્ર તેજીને લીધે સોનામાં કડાકો સર્જાયો હતો. જોકે હવે તેજી શમી ગઇ છે ઁટલે સોનું સુધરવામાં સફળ થયું છે. અલબત્ત સુધારો સાધારણ છે. તેમના મતે સોનાનો ભાવ 1800 ડોલરની આસપાસ અત્યારે અથડાય તેવી ધાર્ણા છે. 1800 વટાવી શકે તો 1820 સુધી જવાની સંભાવના દેખાય છે. 
અમેરિકામાં ટ્રેઝરી યીલ્ડ ફેબ્રુઆરી મહિના પછીના તળિયે રહ્યા હતા. જયારે ડોલરનું મૂલ્ય સાધારણ ઘટ્યું હતુ. બોન્ડ રિટર્ન ઘટવાને લીધે હવે સોનું ખરીદવા માટે ફરીથી ફંડોને તક મળી ગઇ છે. 
ફેડરલ રિઝર્વ દ્વારા ગયા સપ્તાહમાં વ્યાજદર વધવાનો અને બોન્ડ પર્ચેઝ ધીરે ધીરે ઓછાં કરતા જવાનો વિચાર રજૂ કર્યા પછી સોનાના ભાવમાં 6 ટકાની મંદી થઇ ગઇ હતી. 2023  સુધીમાં વ્યાજદરમાં પણ અમેરિકા વધારો કરશે તેવું સ્પષ્ટ જણાવી દીધું છે એટલે સોનાની તેજીમાં ખાંચરો પડ્યો છે. જાણકારોના મતે આવનારા અઠવાડિયાઓમાં જો ફુગાવાનો દર વધતો રહે તો લેબર માર્કેટમાં સુધારો થશે અને એ કારણે ફેડને 2022માં પણ વ્યાજદર વધારવાની જરુરિયાત ઉભી થાય તેવું બની શકે છે. અમેરિકી મધ્યસ્થ બેંક ફેડરલ રિઝર્વએ પણ વ્યાજદર વધારાનો સંકેત તો આપી જ દીધો છે પણ હવે ક્યારે વ્યાજદર વધશે એ જોવાનું છે. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રુ. 280ના સુધારામાં રુ. 48680 અને મુંબઇમાં રુ 161ના ઘટાડામાં રુ. 47161 હતો. ચાંદી રાજકોટની બજારમાં એક કિલોએ રુ. 200 વધતા રુ. 68800 અને મુંબઇમાં રુ. 765ના ઘટાડામાં રુ. 67922 રહી હતી.
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer